ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. જુલાઈમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ ઓગસ્ટ મહિનો કોરે-કોરો નીકળી ગયો, હવે સપ્ટેમ્બરમાં ખેડૂતો સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદની શક્યતા વાળા જિલ્લાઓઃ-
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ, ભાવનગર, અમરેલી, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે.