તાપી જિલ્લાના ડોસવાડા ગામે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતાં મામલો સોનગઢ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. સમગ્ર બનાવની વાત કરીએ તો, સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે રહેતા બે પાડોશીઓ વચ્ચે વાંસ કાપવાના મુદ્દો ઘઝડો થયો હતો. જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર ગુરુવારના રોજ મારો છોકરો બહાર ગામ કંસરી માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યારે ઘરની બાજુમાં રહેતા વિનોદ ગામીત અને પિયેશ ગામીત મારા ઘરની પાછળ આવેલા વાંસના ઝાડ કાપતા હતા. ત્યારે ફરિયાદીએ જણાવ્યું હતું કે, આખા ઝાડ ના કાપતા જેટલા તમારા ઘરના નળીયાને નડે છે એટલા જ કાપજો, જે બાદ આરોપી પિયેશ ઉશ્કેરાઈ ગયો અને કહેવા લાગ્યો તને શું ખબર પડે છે. પવન આવે છે તો અમારા ઘરના નળીયા તૂટી જાય છે. જેથી અમે બધાં વાંસ કાપી નાખીશું કીધું હતું. અને ફરિયાદી મહિલાને ગંદી ગાળો આપી હતી.
જેથી ફરિયાદીએ ગંદી ગાળો બોલવાની ના પાડી હતી. જે બાદ આરોપી વિનોદ ઉશ્કેરાઈ ગયો અને ‘તુ ડાકણ છે તુ બધાને ખાઈ જતી છે’ કહી મેણા-ટોણા મારી વિનોદભાઈએ ફરિયાદીને ધક્કો મારી નીચે પાડી દીધી હતી. તેમજ હાથમાં રહેલું દાંતરડું ફરિયાદીને મારી દેતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે 108 મારફતે સોનગઢની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે સારવાર કરી ચાર ટાંકા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ ફરિયાદીએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના સામે આવી હતી. હાલ તો સોનગઢ પોલીસે ઘટનાની ગંભીરતા સમજી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે ડાંકણ કહીને ફરિયાદીને મેણા-ટોણા મારનાર શખ્સો સામે સોનગઢ પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.