અવારનવાર ચર્ચામા રહેતી માંડવી નગરપાલિકાના ચુંટાયેલા એક સભ્યનું સભ્યપદ નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ મુજબ સભ્યપદ રદ્દ કરવા આદિવાસી આગેવાન આશિષભાઈ ગજેન્દ્ર ચૌધરી દ્વારા લિખિત ફરિયાદ જીલ્લા કલેકટર – જીલ્લા ચુંટણી અધિકારી સમક્ષ કરતા પુરાવા સાથે ગંભીર આક્ષેપ કર્યા છે.
માંડવી તા-માંડવી જી-સુરત ના ગયાં સામાન્ય ચુંટણીમાં વોર્ડ નંબર-૪ ની સામાન્ય સીટ ઉપરથી ઉમેદવારી કરી ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મહિડા વિજેતા બનેલ હતાં. ગુજરાત નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ ની કલમ-૩૮ મુજબ નગરપાલિકા ના ચૂંટાયેલ સભ્ય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ,પોતે અથવા પોતાના ભાગીદાર મારફત કલમ-૧૧ ની પેટા કલમ(૩)ના ખંડ (૧),(૨),(૩),(૫) અથવા (૭) માં વર્ણવ્યા મુજબનો કોઈ ભાગ અથવા હિત ધરાવતો હોય,પછી તે ભાગ અથવા હિત સબંધ ગમે તે કિમત ના હોય તો તેવા સભ્ય નું સભ્યપદ રદ્દ થવા પાત્ર છે.
ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મહિડા પોતે માંડવી નગરપાલિકા વિસ્તાર માં આવેલ “માં આધ્યા મોબાઈલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ “ નામની વ્યાપારિક હેતુની પેઢી ના માલિક છે અને નગરપાલિકા માંડવી ને મે-૨૦૨૧ માં પંખાઓ (FAN) પૂરા પાડેલ છે જેનું બિલ અરજદાર દ્વારા ફરિયાદ સાથે રજૂ કરી આક્ષેપ કરેલ છે કે ચુંટાયેલા સભ્ય દ્વારા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં હોદ્દાનો દુરુપયોગ કરીને નીતિ-નિયમો વિરુદ્ધ નગરપાલિકમાંથી આર્થિક લાભ મેળવેલ છે જે ગુજરાત નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ ની કલમ-૩૮ તથા કલમ-૧૧ ની પેટા કલમ(૩)ના ખંડ (૧),(૨),(૩),(૫) અથવા (૭)નું સ્પષ્ટ ઉલ્લંઘન છે જે બદલ ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મહિડાનું સભ્યપદ રદ્દ તત્કાલીન અસરથી થવા પાત્ર છે કહી વધુ ઉમેરેલ છે કે સભ્ય દ્વારા માંડવી નગરપાલિકા માંથી અન્ય આર્થિક લાભો લેવામાં આવ્યા હોવાની શક્યતાઓ રહે છે જેની વિસ્તૃત તપાસ કરવામાં આવે જે અન્વયે આપશ્રી ને સત્વરે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.
અરજદાર આશિષભાઈ ગજેન્દ્ર ચૌધરી દ્વારા સમગ્ર ફરિયાદ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય , કમિશનરશ્રી ગુજરાત નગરપાલિકાઓ , પ્રાદેશિક કમિશનર , રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર , મંત્રીશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ જેવા વિભાગો સુધી રજૂઆત પહોંચાડી છે.સભ્ય ઉપર કરવામાં આવેલા ગંભીર આક્ષેપ બાદ સમગ્ર પ્રકરણ શું દિશા પકડશે તે સમય બતાવશે પરંતુ એક વાત નક્કી છે કે ફરિયાદના પગલે માંડવી નગરપાલિકામાં ઠંડીની શરૂઆતમાં જ ગરમાવો આવી ગયો છે.