૨જી જુલાઈનાં રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના સેનેટ હોલ ખાતે ડૉ. અમિત ગામીના ગઝલ માટે છ પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો. જેમાં પોતાની સ્વરચિત ગઝલકાવ્ય રચનાઓનો સંગ્રહ ‘શ્વાસ’, સંશોધનગ્રંથો ‘ગઝલપ્રવેશ’, ‘રાજેન્દ્ર શુક્લનું ગઝલકર્મ’, ‘મનોજ ખંડેરિયાનું ગઝલકર્મ’, ‘હરીશ મીનાશ્રુનું ગઝલકર્મ’ અને ‘રાજેશ વ્યાસનું ગઝલકર્મ’ પુસ્તકોનો સમાવેશ થાય છે.
સદર પુસ્તકોનું વિમોચન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન અને દિલ્હી પ્રાંતના સંગઠન મંત્રી અશ્વનીજી શર્મા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના પૂર્વ સેનેટ સભ્ય એડવોકેટ કિરણભાઈ ઘોઘારીજી અને પાયોનર શાળાના ટ્રસ્ટીશ્રી અલ્પેશભાઈ સાવલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અનુરૂપ સંબોધતા આદરણીય કુલપતિએ સંશોધન પુસ્તકો અંગે રાજીપો વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રાંત સંગઠન મંત્રી અશ્વનીજીએ સાહિત્ય, સંશોધન, રાષ્ટ્ર, સંસ્કૃતિ, સમાજ, સંસ્કાર, પર્યાવરણ, બંધારણ જેવાં વિષયોનો ભાષા સાથે સંબંધ દર્શાવી પોતાનું સાહિત્યિક વ્યક્તવ્ય આપી સંશોધનગ્રંથ વિશે વિશદ વાત કરી હતી. સદર કાર્યક્રમને સફળ બનાવી પુસ્તકો વાચક સમક્ષ પ્રગટ કર્યા બાદ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.