દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંતર-ધાર્મિક લગ્ન બાબતે 24 વર્ષીય યુવકને તેની પત્નીના સંબંધીઓ દ્વારા કથિત રીતે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામમાં શનિવારે સાંજે બનેલી આ ઘટનાના સંબંધમાં મહિલાના ભાઈઓ સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.ભાણવડ તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે પીડિત યાજ્ઞિક દુધરેજિયાની હત્યા તેની પત્નીના સંબંધીઓએ કરી હતી. પત્નીનો પરિવાર તેમના આંતર-ધાર્મિક લગ્નની વિરુદ્ધ હતો.
પરિવારજનોએ ગામમાં પરત ફરવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, શેઢાખાઈના રહેવાસી દુધરેજિયાને તે જ ગામના મુસ્લિમ પરિવારની મહિલા રમઝા સાથે પ્રેમ થયો હતો. બંનેએ મહિલાના પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. FIRમાં કહેવામાં આવ્યું છે કે મહિલાએ જૂન મહિનામાં એક બાળકીને જન્મ આપ્યો હતો. જે બાદ દંપતી તેમના ગામ પરત ફર્યા હતા. રમઝાના પરિવારે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમજ જોઈ લેવાની ધમકી આપી હતી.
ગુજરાત પોલીસે જણાવ્યું કે, દુધરેજીયા શનિવારે સાંજે તેના મિત્ર હરદીપસિંહ વજુભા સાથે ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેની પત્નીના સંબંધીઓએ તેને રોક્યો અને કથિત રીતે તેના પર લોખંડની પાઇપ, કુહાડી અને છરી વડે હુમલો કર્યો. પોલીસે જણાવ્યું હતું કે હુમલામાં દુધરેજિયા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જામનગરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
માતાની ફરિયાદ પરથી કેસ નોંધવામાં આવ્યો છે
પીડિતાની માતાની ફરિયાદના આધારે ભાણવડ પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સાજિદ દેથા, સલીમ દેથા, જુમા દેથા, અહેમદ દેથા, ઉસ્માન મુસા અને હોથી કાસમ તરીકે થઈ છે.