નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં અનેક ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી વારંવાર લાંબા સમય સુધી વીજળી ગુલ થવાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ફરિયાદ નોંધાવવા છતાં પણ કોઈ કાર્યવાહી નહિ થતાં લોકો ગુસ્સે થઈ ગયા હતા. રાત્રિના સમયે કલાકો સુધી વીજ પુરવઠો બંધ થઈ જતાં ગ્રામજનો અસહ્ય ગરમીના કારણે બાફ-ઉકળાટમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. સરકાર એક તરફ ૨૪ કલાક વીજળી લોકોને મળી રહે છે, એવા ખોખલા દાવાઓ કરી બણગાં ફૂંકે છે, પરંતુ ગરૂડેશ્વર તાલુકાના પૂર્વ વિસ્તારના ગામોમાં રાત્રિના સમયે વરસાદ ન હોઈ તો પણ કલાકો સુધી વીજપુરવઠો બંધ કરી દેવામાં આવતા લોકો હેરાન પરેશાન થઈ જતાં હોય છે.
ત્યારે લાઈટ જતા રોષે ભરાયેલા કેવડિયા કોલોની થી ૧ કિલો મીટર દૂર આવેલ ભુમલિયા ગામના યુવાનોએ રાત્રિના સમયે લાઈટ ગુલ થઈ જતાં અનોખો વિરોધ નોંધાવ્યો છે, રાત્રિના સમયે લાઈટ બંધ થતાં GEB ઓફિસ ખાતે રાત્રિના સમયે ઊંઘવા માટે પહોંચ્યા હતા.
નર્મદા જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ વિનોદ તડવીએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં સહિત અન્ય ગામોમાં લાઈટની સમસ્યા કાયમી થય ગય છે, પહેલા પણ ઘણી વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ GEB નાં અધિકારીઓ દ્વારા કોઈ પણ વાત સાંભળવામાં આવતી નથી અને આંખ આડા કાન કરી રહ્યા છે, અમો ગતરોજ તારીખ, ૨૭/૦૮/૨૦૨૪ એ રાત્રે ફરી લાઈટ જતી રહેતા ગામ યુવાનો ગોદડા ( ગાદલા) લઈ ગરુડેશ્વર GEB ઓફીસ પર પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
વધુમાં તેઓનું કહેવું છે, હવે જ્યારે પણ અમારા ગામ સહિત વિસ્તારમાં લાઈટ જશે, આવી રીતે ઊંઘવા માટે GEB ઓફસ ગરૂડેશ્વર પહોંચી જશું અને અન્ય ગામોમાં પણ લાઈટ જશે તો તેઓને પણ ઊંઘવા માટે GEB ઓફિસ પર આવવા આહ્વાન કરીશું.
હવે જોવાનું એ રહ્યું કે, GEB અધિકારીઓ લોકોની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેટલું ધ્યાન આપે.