છોટાઉદેપુરમાં સંજીવનીનાં દૂધના પાઉચ રોડની બાજુમાં પડી રહ્યા હોવાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નસવાડી તાલુકાના સાંકડીબારી ગામ પાસે સંજીવની દૂધ યોજનાના પાઉચ ફેંકેલી હાલતમાં જોવા હતા.
મહત્વનું છે કે બાળકોને અપાતા દૂધના પાઉચ ફૂલીને દડા જેવા થઈ ગયેલા જોવા મળતા અનેક સવાલ સામે આવી રહ્યા છે. સરકાર આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે સંજીવની યોજના ચલાવી રહી છે. સરકારના ઉદ્રશ્યો છે કે, આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકોને યોગ્ય પોષણ મળી રહે અને કોઈ બાળકો પણ કુપોષણ ન રહે તે માટે સંજીવની દૂધ યોજના અંતર્ગત આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં દૂધ આપવામાં આવે છે.
પરંતુ કેટલાક તત્વોના કારણે આ દૂધના પેકેટ ગમે તે જગ્યાએ ફેંકી દેવાતા અનેક સવાલો ઉભા થયા છે. મોનીટરિંગ કરતી એજન્સી અને શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિક દ્વારા વીડિયો વાયરલ કરી માંગ કરવામાં આવી છે. મહત્વનું છેકે આ ઘટનામાં જે તે અધિકારીઓ તપાસ કરી ક્યારે પગલાં લેશે તે જોવું રહ્યું.