ચિરાગ તડવી,નર્મદા
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ સ્તરના પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે. કેવડિયાને દેશના અન્ય વિસ્તારો સાથે રેલ માર્ગે જોડવા રેલ મંત્રાલય દ્વારા વડોદરા–ડભોઇ–કેવડીયા બ્રોડગેજ રેલવે શરૂ કરવામાં આવી છે. પંરતુ શું આ રેલવે લાઈન બનાવી ત્યારે ખેડૂતોને નડતી સમસ્યાઓ દૂર કરવામાં આવી હતી..? ના… ખેતી પ્રધાન દેશના જગતના તાત માટે છેલ્લા ૭ વર્ષથી માથાનો દુખાવો બનેલ સમસ્યા વહીવટી તંત્રનાં બહેરા અધિકારીઓના કાન સુધી પહોચાડવા ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે.
આ રેલવે પ્રોજેક્ટ માટે જરૂરી જમીનો સંપાદિત કરી હતી, ત્યારે ખેડૂતોને કહેવામાં આવ્યું હતું, કે તમારે જ્યાં રસ્તો હોઈ ત્યાં ગરનાળું મૂકી આપીશું, પાણી નિકાલ માટે પણ યોગ્ય વ્યવતાઓ કરીશું જેથી ખેડૂતોની જમીનને કોઈ નુકશાન નહિ થાય, પરંતુ રેલવેનું કામ પૂર્ણ થયું ને ૬ વર્ષ થયાં પરંતુ આજ દિન સુધી પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન કરવાથી નર્મદા જિલ્લાનાં ગરૂડેશ્વર બતાલુકામાં આવેલ સાંજરોલી, અકતેશ્વર, કોયારી ( ભાદરવા), કોયારી (ગરૂડેશ્વર), વેલાડી, ગભાણા સહિતના ગામોના ૨૦૦ કરતા વધુ ખેડૂતોની જમીનો દર ચોમાસે વરસાદી પાણીના કારણે તળાવોમાં ફેરવાય જાય છે. જેથી લાખો રૂપિયાનું નુકશાન થાય છે. અને આંખ વર્ષની મહેનત પાણીમાં જાય છે. આ ખેડૂતોનું જીવન ખેતી આધારિત છે, ખેતીમાં સારો પાક થાય તો તેઓ બાળકોને ભણાવે, સામાજિક તેમજ લગ્ન પ્રસંગ સાચવે, પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. પંરતુ વહીવટી તંત્ર આ ખેડૂતો પ્રત્યે કામ કરવામાં આળસ આવતી હોય એવું પણ લાગી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે, જે જમીનો માંથી રેલવે લાઈન નાખવામાં આવી છે, તે જમીનો સંપાદિત કરતા સમયે રેલવે જમીન સંપાદન વિભાગના આધિકારીઓ દ્વારા રેલવે લાઈનમાં કેનાલ આવતી હોય તો તેની સમસ્યા દૂર કરવી, વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થાઓ ગરનાળું નાખી કરી આપવા સહીતની વાત કરી હતી પરંતુ આ કોઈ બાબત રેલવે વિભાગ દ્વારા પુરી કરી નથી..
છેલ્લા 7 વર્ષ થી વરસાદ પડે ત્યારે જગતનોતાત લાચાર થઇ જ્યાં છે, કારણે કે ૨૦૦ કરતા વધુ ખેડુતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે. ખેડૂતો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં રેલવે વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર આંખ આડા કાન કરી કુંભકર્ણની ઊંઘ લઈ રહ્યું છે. જેથી આજ રોજ કેવડિયાનાં સ્થાનિક આગેવાનો રણજીતસિંહ દિનેશભાઇ તડવી (મહાકાળી) કેવડિયા કોલોની, લખનભાઇ મુસાફિર, શૈલેષભાઈ લક્ષ્મણભાઈ તડવી વાઘડીયા, રણજીતભાઈ સરપંચ કે.કોઠી, વિનોદકુમાર રમણભાઈ તડવી ભુમલિયા, બાબરભાઈ તડવી ડેકાઈ, અશ્વિનભાઈ લિમડી, મનહરભાઈ વસંતપુરાનાઓ એ જ્યાં પાણી ભરાયાં છે ત્યાં જઈને ખેડૂતોની મુલાકાત લઈને સમસ્યાઓનું નિરાકરણ લાવવા ઉચ્ચ અધિકારીઓને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા રજૂઆત કરીશું. જો રેલવે વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટી ખેડૂતોની આ સમયનું નિરાકરણ નહીં લાવે તો રેલ રોકો આંદોલન કરવાની ફરજ પડશે.