તમિલનાડુમાં શુક્રવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ હતી. તિરુવલ્લુરમાં મૈસૂર-દરભંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્સપ્રેસ ટ્રેનના બે કોચમાં આગ લાગી હતી, જ્યારે 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટના બાદ જાહેર કરવામાં આવેલા વીડિયોમાં અકસ્માતના સ્થળે આગ જોઈ શકાય છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરના અહેવાલોમાં જાણવા મળ્યું છે કે લગભગ 5-6 કોચ પાટા પરથી ઉતરી ગયા છે અને આ ઘટના દરભંગા એક્સપ્રેસ લૂપ લાઇનમાં ઘૂસીને ઉભી રહેલી ટ્રેન સાથે અથડાયા પછી બની હતી.
અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો?
આ ઘટના રાત્રે લગભગ 8:27 વાગ્યે બની જ્યારે એક્સપ્રેસ ટ્રેન પોનેરી સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. ટ્રેન લૂપ લાઇનમાં પ્રવેશતા જ ક્રૂને જોરદાર આંચકો લાગ્યો હતો. આ પછી તે જ લાઈનમાં ઉભી રહેલી માલગાડી સાથે અથડામણ થઈ હતી.
અકસ્માતને કારણે ચેન્નાઈ-વિજયવાડા માર્ગ પરનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે અને અધિકારીઓ સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે. ઘટનાસ્થળે મદદ માટે ચેન્નાઈ સેન્ટ્રલથી મેડિકલ રિલીફ વેન અને બચાવ ટીમ મોકલવામાં આવી છે. સધર્ન રેલવેના જનરલ મેનેજર, ચેન્નાઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અકસ્માત સ્થળે દોડી ગયા છે.
સહાયતા માટે, મુસાફરો અને તેમના પરિવારના સભ્યો ચેન્નાઈ ડિવિઝનના હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરી શકે છે, જે નીચે મુજબ છે-
હેલ્પ લાઈન નંબર 1: 04425354151
હેલ્પ લાઇન નંબર 2: 04424354995