મણિપુરના જીરીબામ જિલ્લામાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ રાજ્યમાં હિંસા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. શનિવારે, સેંકડો લોકોએ ઇમ્ફાલ ઘાટીના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કર્યું. ત્રણેય મૃતદેહો અંગે કહેવાય છે કે આ એ જ લોકો છે જે થોડા દિવસો પહેલા જીરીબામાંથી ગુમ થયા હતા. મૃતકોમાં એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. મૃતદેહો મળવાના સમાચાર ફેલાતા જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી. ઇમ્ફાલ પશ્ચિમ અને અન્ય જિલ્લાઓમાં દેખાવકારોએ ટાયરો સળગાવીને રસ્તાઓ બંધ કરી દીધા હતા. દરમિયાન, સ્થાનિક બજારો અને દુકાનો બંધ હતી, અને ઇમ્ફાલમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
વિરોધ અને કર્ફ્યુની જાહેરાત કરી
જીરીબામમાં મૃતદેહ મળ્યા બાદ તણાવ વધી ગયો છે અને મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આ હિંસા બાદ રાજ્ય સરકારે શનિવારે શાળાઓ અને કોલેજોમાં રજાનો આદેશ આપ્યો હતો. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે આતંકવાદીઓએ આ ગુમ થયેલા લોકોનું અપહરણ કર્યું હતું જ્યારે તેઓ ભાગી રહ્યા હતા. આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરતા Meitei સંગઠનોએ દાવો કર્યો છે કે આ લોકો આતંકવાદીઓના હાથે માર્યા ગયા છે. પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.