આદિવાસી બાળકોમાં શિક્ષણનું સ્તર ઉપર લાવવા માટે વિવિધ પ્રકારની સ્કોલરશીપ યોજનાઓ ચાલતી હોય છે. પરંતુ આ યોજનાઓમાંથી હવે ધોરણ-10 બાદ આદિવાસી બાળકોને મળતી સ્કોલરશીપ પર કાપ મૂકવામાં આવ્યો છે. મેનેજમેન્ટ ક્વોટામાં આદિવાસી વિદ્યાર્થી પ્રવેશ મેળવે તો સ્કોલરશીપ નહીં મળે. રાજ્ય સરકારે ૨૮ ઓક્ટોબરે સ્કોલરશીપ પર કાપ મૂકતો પરિપત્ર જાહેર કર્યો છે. સ્કોલરશીપ પર કાપ મૂકવા અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે બંધારણમાં સરકાર પર જવાબદારીઓ આપવામાં આવેલી છે કે, સામાજિક રીતે જે લોકો પછાત હોય એમને સમાન તક મળે એવી વ્યવસ્થા છે.
આદિવાસી બાળકો પોસ્ટ મેટ્રિક બાદ પેમેન્ટ સીટ પર પ્રવેશ લીધો હોય તો સ્કોલરશીપ આપવી તેવો વર્ષ ૨૦૧૦નો ચુકાદો છે. ૨૦૧૦થી પેમેન્ટ સીટ માટે ૭૫ ટકા કેન્દ્ર સરકાર અને ૨૫ ટકા રાજ્ય સરકાર ફી ભરતી હતી. ૨૮ ઓક્ટોબરે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, ૨૦૨૪-૨૫થી મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરવાનો ઉલ્લેખ કર્યો છે.
આ વર્ષે જ ટેકનિકલ કોર્ષમાં ૩ હજાર ૭૦૦ વિદ્યાર્થીઓને લાભ મળવાનો હતો જે હવે નહીં મળી શકે. ચૂંટણીમાં ભાજપના નેતાઓ બિરસા મુંડાની માળા જપતા હોય છે. આ સમગ્ર મામલે કોંગ્રેસની માંગ છે કે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ પુનઃ શરૂ કરવામાં આવે. જો નહીં કરે તો, કોંગ્રેસ પાર્ટી આદિવાસી જિલ્લાઓમાં જનઆક્રોશ રેલી યોજી આવેદનપત્ર આપશે.