ગુજરાતમાં નકલીની ભરમાર યથાવત, આ વખતે નકલી પોલીસ નહિં પણ સરકારી નકલી અધિકારી મળી આવ્યો છે. પકડાયેલો શખ્સ મહેસૂલ વિભાગમાં કામ કરતો હોવાનું કહી છેતરપિંડી કરતો હતો.
ફરી એકવાર અમદાવાદ શહેરમાંથી સરકારી અધિકારીની ઓળખ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર મેહુલ શાહ નામનો આરોપી ઝડપાય ગયો છે. આરોપી મહેસૂલ શાહ મહેસૂલ વિભાગમા ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી ઠગાઈ કરતો હતો. અનેક લોકોને છેતરપિંડીનો ભોગ બનાવનાર આરોપી વાંકાનેરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી મેહુલ શાહાએ ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી ભાડે ઈનોવા કાર લીધી હતી.
પોલીસને શંકા ન જાય તે માટે ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલોપમેન્ટના સહીવાળો લેટર રાખતો હતો. તેમજ આરોપી કારમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ પણ લગાવી આટાંફેરા મારતો હતો. તેમજ પોતાની સાથે એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો હોવાનો ખુલાસો થવા પામ્યો છે.અસારવાની સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું કહીં પિકનિક માટે બસ પણ ભાડે લીધી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
આ ભેજાબાજ શખ્સે સ્કૂલમાં ક્લાર્કની નોકરી આપવાના નામે 3 લાખ રૂપિયા પડાવ્યા હોવાની માહિતી સામે આવી છે. છેતરપિંડી કરવા જિલ્લા શિક્ષણાધિકારીની સહી કરેલો બોગસ લેટર આપ્યો હતો. તેમજ સ્કૂલમાં કલર કામ કરાવી મજૂરીના 2.40 લાખ રૂપિયા પણ ન આપ્યા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં જાણે નકલીની ભરમાર ચાલી રહી હોય તેમ પોલીસ એક નકલી અધિકારીને પકડી જેલમાં પૂરે ત્યાં તો બીજો કોઈ નકલી પોલીસ અથવા નકલી અધિકારી રાજ્યના ગમે તે જિલ્લામાંથી ઝડપાઈ જતા હોય છે. અને આ વખતે પણ આવું જ કંઈક બન્યું છે. હાલ તો પોલીસે આ ભેજાબાજ શખ્સને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો. છે ત્યારે આગામી પોલીસ તપાસમાં શું નવા ખુલાસો થાય છે. તે જાણવું મહત્વનું રહેશે.