સમગ્ર રાજ્યમાં E-KYC અપડેટની કામગીરી ચાલી રહી છે. જે કામગીરીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં લોકો મુશ્કેલીનો સમાનો કરી રહ્યા છે. આ બધાં વચ્ચે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડાના મામલતદાર અને પ્રાંત અધિકારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. ચૈતર વસાવાએ જાહેરમાં અધિકારીઓને બરાબર ખખડાવ્યા હતા. તેમજ કામગીરી શરૂ કરવા માટે વધારે કીટની વ્યવસ્થા ઊભી કરવાની રજૂઆત કરી હતી. E-KYC માટે પૂરતા પ્રમાણમાં સેન્ટર ન હોવાથી લોકોને ડોક્યુમેન્ટ અપડેટ માટે પરેશાની થતી હોવાનું જણાવ્યું હતું.
ચૈતર વસાવાએ શું કહ્યું ?
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે, તમે પ્રજાના નોકર છો, પ્રજાના ટેક્સમાંથી તમને પગાર મળે છે. તમે લોકોને ઓફિસમાં બેસીને કામ કરવાનો પગાર નથી મળતો. સીધે સીધુ કામ કરવાનું હોય તો કરો નહીં તો કચેરીને તાળા મારી દો. લોકો 5 દિવસથી ધક્કા ખાય છે તમને કેમ ભાન નથી પડતું તેવા શબ્દો સરકારી અધિકારી સામે વાપર્યાં હતા. ધારાસભ્ય તરીકે તમે અધિકારીઓને જાહેરમાં ખખડાવો છે. એ વસ્તુ કેટલી યોગ્ય છે. એ પણ સમજવાની વાત છે.
E-KYC મુદ્દે કુંવરજી બાવળિયાએ શું કહ્યું ?
E-KYC અપડેટ કરવા મુદ્દે લોકોની તકલીફ મુદ્દે કુંવરજી બાવળિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, E-KYC માટેની સિસ્ટમ ઠીક કરવા માટે પુરવઠા વિભાગ સતત કામ કરી રહ્યું છે. આધારકાર્ડમાં નામ અને અટકમાં સુધારા ન થાય ત્યાં સુધી E-KYC થતું નથી. E-KYC પુરવઠા વિભાગ તરફથી થાય છે. પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ ઉપર રહેલો છે. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. ત્યાં છેલ્લા અઠવાડીયામાં મિટીંગ કરી આધારકાર્ડની કીટોની સંખ્યા વધારવા અને કીટોનાં પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરાયેલો છે.
જિલ્લા કલેકટરઓને પણ આયોજન વિભાગ તરફથી કીટોને કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની સુચના આપવામાં આવી છે. છેલ્લાં લાંબા સમયથી લોકો E-KYC અપડેટ માટે વલખાં મારી રહ્યા છે. ક્યારેક નેટવર્કની તકલીફ હોય છે.
તો ક્યારેક લાઈટ ન રહેતી હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાય જતા હોય છે. સરકાર આ બાબતે ધ્યાન આપી લોકોને પડતી મુશ્કેલી દૂર કરે તો સમય સર કામગીરી પૂર્ણ થાય.જેનાથી વિદ્યાર્થીઓને પણ ફોર્મ ભરવામાં પડતી તકલીફનું સોલ્યુશન આવી શકે