ભરૂચ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મંગળવારે પોતાના કાર્યકરો સાથે પદયાત્રા યોજી વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના રાજપરડીથી ઝઘડીયા સુધી પદયાત્રા યોજી હતી. આ કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા.
જિલ્લા તેમજ તેમના મત વિસ્તારમાં છેલ્લાં કેટલાક સમયથી ભૂમાફિયાઓએ આતંક મચાવી રાખ્યો છે. જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી આપવા સહિતના પ્રશ્નો મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો જોડાયા હતા. સાથેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓને જણાવ્યું હતું કે, આગામી એક સપ્તાહમાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કલેકટર કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી આપી હતી.
ખાસ કરીને ચૈતર વસાવાએ એમ પણ કહ્યું છે. ઝઘડિયામાં તાલુકામાં બેફામ ઓવરલોડ ભરેલી ગાડીઓ ચાલે છે તેઓ અનેક વાર અકસ્માત સર્જીને ફરાર થઈ જાય છે. અને માસૂમ લોકોના જીવ જાય છે. તેમણે સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે રેતી માફિયાઓ જિલ્લાના તમામ અધિકારીઓને રૂપિયા- (હપ્તા) આપતા હશે. અને ગાંધીનગર સુધી હપ્તા જતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
GIDC વિસ્તારમાંથી દૂષિત પાણી જે નીકળે છે તેનાથી આજુબાજુના ગામડાના પશુઓના મોત થયા છે. તેમજ સ્થાનિક લોકો પણ આ દૂષિત પાણીથી મોતને ભેટ્યા છે. આદિવાસી વિસ્તારમાં અનુસુચિત 5 લાગુ પડે છે તો રેતી માફિયાઓ કેવી રીતે રેતી ચોરી જાય છે તે મોટો સવાલ થઈ રહ્યો છે.