કેન્દ્ર સરકાર દ્વારા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ભારત સરકાર તરફથી મળનારી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશનના લીધા અને ફ્રિશિપ કાર્ડ પણ ઇશ્યૂ કરી દીધા બાદ હવે ગુજરાત સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના ભાજપ સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
શિષ્યવૃત્તિ યોજના બંધ કરવાના પરિપત્રથી સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. તો બીજી તરફ બુધવારે પાટનગર ગાંધીનગરમાં 300થી વધારે વિદ્યાર્થીઓએ બિરસામુંડા ભવન ખાતે હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ યોજના બંધ થવાથી 60 હજાર જેટલાં વિદ્યાર્થીઓને અસર થાય તેવી શક્યતા છે. ગાંધીનગરના બિરસામુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ‘નહીં હટેંગે, નહીં બટેંગે’ જેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ભારત સરકાર તરફથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના મળે છે, અને તે યોજના અંતર્ગત સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ પણ સરકાર દ્વારા ઇશ્યૂ કરી દેવામાં આવ્યા છે, ત્યારબાદ ગુજરાત સરકારે આ અંગે પરિપત્ર કરીને આ યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે. આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપને પુન શરૂ કરવામાં તેવી માગ કરવામાં આવી છે.
ગાંધીનગર બિરસામૂંડા ભવનમાં આ વિરોધ દરમ્યાન આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ વિદ્યાર્થીઓ સાથે વિરોધમાં જોડાયા હતા. ત્યારે આ મુદ્દે ચૈતર વસાવાએ શું કહ્યું તેના પર નજર કરીએ તો.
ચૈતર વસાવાએ શું કહ્યું :-
આદિવાસી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ હતી. ત્યારે ગુજરાતની ભાજપ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ પરિપત્ર જાહેર કરી આ શિષ્યવૃતિ યોજના બંધ કરી દીધી છે. જેના કારણે નર્સિંગ, ડીપ્લોમાં, જેવા વિભાગમાં અભ્યાસ કરતા 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરેશાનીમાં મુકાય ગયા છે. અને ફી ન ભરનાર વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે. જેથી સરકારને વિનંતી છે કે, આ યોજના ફરીથી શરૂ કરવામાં આવે. અને જો પાંચ દિવસમાં આ યોજના ફરી શરૂ કરવામાં ન આવે તો તમામ જિલ્લા સ્તરે આવેલી આદિજાતિ કચેરીઓને તાળાબંધી કરવાની ચીમકી આપવામં આવી છે.