ગુજરાતમાં નકલીની ભરમાર ક્યારે અટકશે તે મોટો સવાલ થઈ રહ્યો છે. સવાલ એટલા માટે થાય છે કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી દરરોજ નવા નવા કાંડ સામે આવી રહ્યા છે. આ વખતે કચ્છ જિલ્લાના ગાંધીમાંથી નકલી EDની ટીમની ધરપકડ કરવામાં આવી છે. નકલી ઈડીની ટીમમાં એક મહિલા અને 12 જેટલા પુરૂષનો સમાવેશ થાય છે. આ ઠગ ભેજાબાજોએ એક વેપારીને EDના અધિકારીઓની ઓળખ આપી વેપારી સાથે ઠગાઈ કરી હતી. નકલી ઈડી અધિકારીઓની ટીમે કચ્છના ગાંધીમમાં આવેલા રાધિકા જ્વેલર્સ નામની પેઢીમાં દરોડા પાડ્યા હતા.
ઠગભાજોની આ ટોળકીએ તેમની કાર્યવાહીમાં રૂપિયા 25 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યાં હતા. અને લઈને ફરાર થઈ ગઈ હતી. જે બાદ વેપારીને EDના અધિકારીઓ તમામ નકલી હોવાનો ખ્યાલ આવતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરતા એક મહિલા સહિત 12 જેટલા લોકોની ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલા તમામ લોકોના મેડિકલ તપાસ કરી તેમના ગુનાહિત ઈતિહાસ છે કે નઈ તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ભેજાબાજ ટોળકીએ 15 દિવસ પહેલા વેપારીને ત્યાં દરોડા પાડવાનો પ્લાન બનાવ્યો હતો અને ટૂંક જ સમયમાં વેપારીને ત્યાં રેડ પાડી હતી.
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસ પકડમાં આવેલા શખ્સો પાસેથી પોલીસે વેપારી પાસેથી ચોરેલા સોનુ-ચાંદી તેમજ તેમની પાસેથી મળી આવેલા વાહનો સહિત કુલ રૂપિયા 45.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત તેમની પાસેથી રેડ પાડવા માટે ઉપયોગમાં લીધેલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસની કામગીરી
પોલીસની કામગીરી પર નજર કરીએ તો આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. તેમજ ટેક્નિકલ સર્વેલન્સ, ખાનગી બાતમીદારો અને CCTV ફૂટેજના આધારે છેલ્લા કેટલાક સમયથી તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે નકલી ED ગેંગનું પગેરું ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. હાલ તો 1 મહિલા સહિત 12 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. જ્યારે ઘટનામાં હજુ એક આરોપી ફરાર છે તેને પણ ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. આ આરોપી ઝડપાયા બાદ આ કેસમાં વધુ કાંડ ખુલ્લે તેવી પૂરી શક્યતાઓ છે.