ડેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામે આવેલી આંગણવાડી કેન્દ્ર ઉમરાણ-1માં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આંગણવાડી કેન્દ્ર ઉમરાણ-1માં આંગણવાડી કેન્દ્રનું મકાન બની ગયું હોવા છતાં હજુ પણ આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલી રહ્યું છે. સાથે જ આંગણવાડી કેન્દ્રોના બાળકો ભાડાના મકાનમાં ભણવા માટે મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું છે. કારણ કે, અંહીના સ્થાનિક અધિકારીઓ પાસે આંગણવાડી ખુલ્લી મૂકવા માટે મુર્હુત નથી તેવો ઘાટ હાલમાં ઘડાઈ રહ્યો છે.
આંગણવાડી કેન્દ્ર બન્યાના આજે બેથી ત્રણ મહિના થયા છતાં તેને ખુલ્લું મુકવા કોની રાહ જોવાઈ રહી છે તે મોટો સવાલ સામે આવી રહ્યો છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે, નવીન આંગણવાડીનું મકાન પહેલાં ના મકાન કરતા સાંકડું બનતા ૫૧ બાળકોને કેવી રીતે બેસાડવા તે મોટો સવાલ સામે આવી રહ્યો છે. હાલમાં આંગણવાડી કેન્દ્ર-૧માં ત્રણથી ચાર ફળિયાના બાળકો પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે. જેથી સ્થાનિક લોકોએ બીજી એક આંગણવાડી ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
મકાનમાં થયો ભ્રષ્ટાચાર :-
નવીન આંગણવાડી બન્યાને ૩ મહિના થયા છે. અને આટલા જ સમયમાં આંગણવાડીના ધાબા પરથી લીકેજ થતું હોવાનું સામે આવ્યું છે. જેની પાછળ ક્યા અધિકારીઓ જવાબદાર છે. તે સવાલ થઈ રહ્યો છે. આ બનાવ મુદ્દે સ્થાનિક લોકોની માંગ છે કે, જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રની તમામ કાચની બારીઓ અજાણ્યા ઈસમો દ્વારા તોડી નાખવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી ભાડાના મકાનનું ભાડું પણ ચૂકવ્યું નથી. આંગણવાડી કેન્દ્ર ઉમરાણ-૧માં કુલ ૫૧ બાળકો આવતા હોવાથી બીજી આંગણવાડી ફાળવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ જેથી સ્થાનિક બાળકોને સારું શિક્ષણ મળી શકે.
મહત્વનું છે કે, રાજ્ય સરકાર લાખો રૂપિયાનો ખર્ચો કરી આંગણવાડીનું બાંધકામ કર્યું છે. પરંતુ ક્યાંક ક્યાંક કેટલાક શખ્સો આ કામ પાછળ જવાબદાર છે. જેના કારણે મકાનનું કામ પૂર્ણ થવા છતાં હજુ બાળકોની સુવિધા માટે તેને ચાલુ કરવામાં આવ્યું નથી.