નસવાડી તાલુકાનું રવિ કૃષિ મહોત્સવ નસવાડી એ.પી.એમ.સી ખાતે શુક્રવારે યોજવામાં આવ્યો હતો. નસવાડી તાલુકાના 212 ગામમાંથી ગણ્યા ગાંઠયા ખેડૂતોને મહોત્સવની જાણ કરવામાં આવી હતી. જ્યારે ડુંગર વિસ્તારમાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે.પરંતુ તેમને નસવાડી ખાતે સરકારની ખેડૂત લક્ષી મહત્વકાંક્ષી યોજના અને પાકો વિષેની માહિતી આપતા રવિ કૃષિ મહોત્સવની કોઈ જાણકારી ન હતી.
નસવાડી તાલુકાના ખેતીવાડી અધિકારી અને ગ્રામ સેવકો ડુંગર વિસ્તારનાં ગામડાઓમાં ન જઈ માત્ર નસવાડી ઓફિસમાં બેસીને વ્હોટ્સએપ પર કુષિ મહોત્સવની જાણકારી ગણ્યા ગાંઠયા લોકોને આપી હતી. જ્યારે સરકાર છેવાડાના ખેડૂતને લાભ મળે તે માટે અર્થાગ પ્રયત્નો કરે છે. પરંતુ અધિકારીઓના પાપે છેવાડાના ખેડૂતો સુધી સરકારની માહિતી પહોચતી જ નથી. જેનું ઉત્તમ ઉદાહરણ આજના કાર્યક્રમમાં જોવા મળ્યું.
ખેડૂતોને લાભ ન મળતા આખરે સરકારના માથે માછલાં ધોવાય છે. નસવાડી તાલુકાની 8 ગામ ધરાવતી કડુલી મહુડી જૂથ ગ્રામ પંચાયત અને એવી ડુંગર વિસ્તારની 7 ગામ ધરાવતી કેવડી જૂથ ગ્રામ પંચાયતમાં પણ વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકો ગામડે ગામડે ફરી સરકારના મહોત્સવની જાણ કરી નથી. માત્ર સરપંચને વ્હોટ્સએપ પર આમંત્રણ પત્રિકા મોકલી કે ફોન પર તમે આવજો તેવું કહીને કામ પૂર્ણ કર્યું. આવા ખેતીવાડી વિભાગના કર્મચારી સામે ડુંગરના ખેડૂતોમાં ફાંટી નીકળ્યો છે.
કેવડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શું કહે છે:-
કેવડી જૂથ ગ્રામ પંચાયતનાં સરપંચ દાદનિયા ભીલનાં જણાવ્યા મુજબ અમારા 7 ગામની ગ્રામ પંચાયત છે. નાની ઝડુલ,. કેવડી,સરિયાપાણી.રાધનાપાણી.કાટિયાબાર. કુમેઠા અનેં ખેતનબાર ગામછે. જેમાં ખેતીવાડીના કોઈ અધિકારીઓ આવ્યા નથી અને રવિ કૃષિ મહોત્સવની જાણ કરી લોકોને આપી નથી. મને જાણ કરી છે પણ ગામડે સુધી કોઈ પહોંચ્યા નથી. અમારા ડુંગર વિસ્તારમાં પણ કાર્યક્રમ રાખે તો ખેડૂતોને સરકારની યોજનાનો લાભ મળે તે જરૂરી છે.
કડુલી મહુડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શું કહે છે:-
કડુલી મહુડી જૂથ ગ્રામ પંચાયતનાં સરપંચ પતિ બચુ ભીલના જણાવ્યા મુજબ કૃષિ મહોત્સવમાં કાલે આવજો એવું ગ્રામ સેવકનો ફોન નસવાડીથી આવ્યો હતો.તમે ગામડામાં કહી દેજો.તેવું કીધું હતું.પણ એ એમની ભૂલ છે. ગામડા સુધી એમણે આવવું જોઈએ અને લોકોને સરકારના કાર્યક્રમની માહિતી પૂરી આપવી જોઈએ ગામડાના લોકો કાર્યક્રમથી અજાણ છે.