નસવાડી તાલુકાના આકોના ગામની સીમમાં દીપડાએ બે પશુઓ પર હુમલો કરી વાછરડી અને પાડીનું મારણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર શૈલેષ જેસિંગ ભીલના ખેતરમાં કાચા ઘરમાં ગાય અને ભેંસ અને અને નાના બચ્ચાઓ બાંધી રાખવામાં આવ્યા હતા. ગત રાત્રિએ દીપડાએ વાછરડી અને પાડી પર હુમલો કરી મારણ કર્યું હતું. દિવસે દિવસે નસવાડી તાલુકામાં દીપડાના પશુઓ પરનાં હુમલાઓનાં બનાવો વધી રહ્યા છે.
થોડા દિવસ અગાઉ પાયાકોઈ ગામે પશુ પર દીપડાએ હુમલો કર્યો હતો. રાત્રી દરમિયાન દીપડાઓ રસ્તાઓ પર લટાર મારતા હોવાના વિડિયો પણ સામે આવી રહ્યા છે. ત્યારે નસવાડી વન વિભાગ દ્વારા આ દીપડાને વહેલી તકે ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવવામાં આવે તે જરૂરી બન્યું છે.
સ્થાનિક રહેવાસી શૈલેષ ભીલે જણાવ્યું હતું કે, મારા ખેતરમાં વાછરડી અને પાડી પર હુમલો કર્યો હતો. જેમાં વાછરડી અને પાડીનું મોત થયું છે. એકવાર આ બન્યું છે એ અમે સ્વીકારી લીધું છે. ઢોર બાંધવા માટે બંદોબસ્ત કરેલો છે. એમાંથી ખેચી કાઢીને મારી નાખ્યા છે. અમારી એક વિનંતી છે કે વહેલી તકે દીપડાને પકડવાની કોશિશ કરવામાં આવે તેવી માંગ છે. વાછરડી અને પાડી પર હુમલો કર્યો કાલે ઉઠીને માણસ પર પણ દીપડો હુમલો કરી શકે છે.
સ્થાનિકોની રજૂઆત બાદ દીપડાને પકડવા પાંજરૂ મૂકાયું:-
આકોના ગામે દીપડાએ બે પશુઓ વાછરડી અને પાડીનું મારણ કર્યુ હતું. એ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આકોના ગામના ગરીબ આદિવાસી ખેડૂતના ખેતરનાં કાચા ઘરમાં બાંધી રાખવામાં આવેલી વાછરડી અને પાડીનું મારણ કરવામાં આવ્યું હતું.આકોના ગામનાં લોકોમાં દીપડાની દહેશત ફેલાઈ ગઈ છે. લોકોને ખેતરમાં જવા માટે પણ દીપડાના કારણે ડરી રહ્યા છે. ત્યારે નસવાડી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા છે.