ખેડૂત લક્ષી કાર્યક્રમ વિશે સરપંચ અને સભ્યોને ટેલિફોનીક જાણ કરાઈ તો ખેડૂતોને મૌખિક જાણ કેમ નહીં કરવામાં આવી તેને લઈ મોટો સવાલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, નસવાડી તાલુકાનો એ.પી.એમ.સી ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં સરકારે આપેલા ટાર્ગેટને પુરો કરવા માટે બે દિવસ ખુરશીઓ ભરવામાં આવી હતી.
ગ્રામ પંચાયતનાં સરપંચ અને સભ્યોને વ્હોટ્સએપ અને કોલ કરીને જાણ કરવામાં આવી હતી. ખેડૂતો લક્ષી કાર્યક્રમ હોય તો ખેડૂતોને જાણ કેમ કરવામાં કેમ આવી નહીં? બે દિવસીય કાર્યક્રમમાં માત્ર ગણ્યા ગાંઠયા લોકો સાથે કાર્યક્રમ પૂરો કરીને કાગળ પર ઘોડા દોડાવી દીધા છે. જ્યારે ખેડૂત લક્ષી કાર્યક્રમ હોવાથી ખેડૂતો જ અજાણ હોય તો કાર્યક્રમનો લક્ષ્યાંક હેતુ સિદ્ધ થતો નથી. ડુંગર વિસ્તારનાં મોટા ભાગના ખેડૂતોને જાણ ન થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. જોકે વિસ્તરણ અધિકારીએ ગ્રામ સેવકો દરેક ગામમાં પહોંચી ન વળતા અમુક ગામ રહી ગયા હશે તેવો લૂલો બચાવ કર્યો હતો.
વિસ્તરણ અધિકારીનો લૂલો બચાવ:-
વિસ્તરણ અધિકારીને તાલુકાના ગામડાઓ કેટલા છે તે જ ખબર નથી. 212ની જગ્યાએ 213 બતાવે છે. આ ઉપરાંત વિજયસિંહ ચૌહાણ વિસ્તરણ અધિકારીના જણાવ્યા અનુસાર રવિ કૃષિ મહોત્સવની જાણ અમે સરપંચ અને સભ્યોને વ્હોટ્સ એપ તેમજ ટેલિફોનીક દ્વારા કરી હતી તેમ જણાવ્યું હતું. નસવાડીમાં 213 ગામ છે એની સામે અમારો 9 નો સ્ટાફ છે.એક ગ્રામ સેવકના ભાગે 22 જેટલા ગામો આવે છે એટલે દરેક ગામમાં ગ્રામ સેવક પહોંચી ન વળતા અમુક ગામ રહી ગયા હશે તેવો ઉડાઉ જવાબ અધિકારીએ આપ્યો હતો.