હીરા નગરી સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ એક આરોપીને પકડીને જેલામાં પૂરે ત્યાં તો અન્ય આરોપીઓ સામે આવીજ જતા હોય છે. આ વખતે પણ સુરત શહેરમાં જાહેરમાં ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. પરંતુ આ વખતે ફાયરિંગ કરનાર શખ્સ કોઈ સાધારણ માણસ નથી પણ પોતે ભાજપનો નેતા હોવાનું સોશ્યિલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે.
ભાજપ નેતા ઉમેશ તિવારી નામના શખ્સે લગ્ન પ્રસંગમાં જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં બે યુવકો ઈજાગ્રસ્ત થયાં હતા. ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે ફાયરિંગ કોણે કર્યું તે મુદ્દે તપાસ કરતા સામે આવ્યું કે, ફાયરિંગ કરનાર શખ્સ ભાજપનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસે આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરી હતી. તો આરોપીની પોલીસ સાથે પણ સાંઠગાંઠ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પકડાયેલા શખ્સ પાસેથી પોલીસે આરોપીનું હથિયાર કબજે કરી લાઇસન્સ સસ્પેન્ડની કામગીરી હાથ ધરી
પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યોઃ-
લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર શખ્સ ઉમેશ તિવારીની પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. અને જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી જ્યાં જગ્યાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યાં ઘટનાસ્થળે લઈ જઈ તપાસ કરવામાં આવી હતી. આરોપીએ કઈ રીતે ફાયરિંગ કર્યું તેનું રિકન્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીની સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે, આરોપીઓને શા માટે પોલીસનો ડર રહ્યો નથી..અત્યાર સુધી સામાન્ય માણસો ચોરી, લૂંટ, હત્યા જેવા ઘટનાઓને અંજામ આપતા હતા. પરંતુ અત્યારે તો ખૂદ ભાજપના નેતાએ જાહેરમાં ફાયરિંગ કરતા અનેક સવાલ થઈ રહ્યા છે. એક તરફ ગુજરાત પોલીસ ઝીરો ટોલરન્સની વાતો કરે છે. પરંતુ બીજી તરફ ભાજપના નેતા આ રીતે ક્રાઈમ કરે તો કેટલું યોગ્ય ? કારણ કે અત્યારે તો પોલીસે આ શખ્સને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આગામી સમયમાં પોલીસ કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડરાઈ રહેલી છે.