અમદાવાદ શહેરમાં થર્ટી ફર્સ્ટ પહેલા દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા બંને શખ્સો રાજસ્થાનથી દારૂ લાવી અમદાવાદ શહેરમાં હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ભેજાબાજ શખ્સો બોલેરો પિકઅપ ગાડીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા. મહત્વનું એ છે કે કાચની દારૂની બોટલનો અવાજ ન આવે તે માટે દારૂની બોટલો પર મોજા પહેરાવતા હતા. પરંતુ કહેવાય છેને કે, આરોપી ગમે તેટલો શાતિક કેમ ના હોય એકને એક દિવસ પોલીસના સકંજામાં આવી જ જતો હોય છે. અને આ વખતે પણ કંઈક એવું જ બન્યુ આરોપીએ દારૂ અને ગુનો છૂપાવા માટે અનેક પ્રયત્નો કર્યાં પણ આખરે આરોપીઓના કાંડ સામે આવી જ ગયો. અને પોલીસે આરોપીઓને દારૂ સાથે ઝડપી લીધા.
અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખ 39 હજારની દારૂની બોટલ સહિત કુલ મુદ્દામાલ 8 લાખનો જપ્ત કર્યો છે. પોલીસે આ બનાવમાં વદુ પૂછપરછ કરતા આરોપીઓના નામ ક્ષત્રપાલસિંગ સીસોદીયા અને જીતેન્દ્રસિંગ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે એ પણ દિશામાં તપાસ હાથ ધરી છે કે, આરોપીઓ છેલ્લાં કેટલા દિવસથી દારૂની હેરાફેરી કરતા અને તેમની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
થર્ટી ફર્સ્ટના દિવસો ટૂંક સમયમાં આવી રહ્યા છે. ત્યારે આ રીતે શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી પણ વધી જતી હોય છે. ખાસ કરીને દર વર્ષે થર્ટી ફર્સ્ટના દિવસોમાં અમદાવાદ શહેરમાંથી મોટી સંખ્યામાંથી દારૂની હેરાફેરી ઝડપાતી હોય છે. એક તરફ ગુજરાત સરકાર રાજ્યમાં ઝીરો ટોલરન્સની વાતો તો કરે છે. પણ રાજ્યમાં બેફામ બની બુટલેગારો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. તેના પરથી લાગી રહ્યું છે કે, આરોપીઓને પોલીસને ડર રહ્યો નથી અથવા તો અંદરો અંદર ક્યાંક સેટિંગ ડોટ કોમ ચાલતું હોવાનું પણ સૂત્રો થકી જાણવા મળ્યું છે.અને બીજી તરફ પોલીસ પણ થર્ટી ફર્સ્ટ આવે એટલે દારૂડિયાને ઝડપી પાડવા માટે સક્રિય થઈ જતી હોય છે. પરંતુ ગણ્યાગાઠ્યા કેટલાક બુટલેગર પકડતા હોય છે. પરંતુ મોટી માછલીઓ પોલીસને પણ પકડતી નથી.