રાજધાની દિલ્હીના પૂર્વ CM અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીના લોકો માટે બે મોટી જાહેરાત કરી છે. દિલ્હીની મહિલાઓ માટે મેં દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. દિલ્હી કેબિનેટે તેને પાસ કરી દીધો છે. આ યોજના દિલ્હીમાં લાગુ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હવે આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન બાદ મહિલાઓના ખાતામાં પૈસા આવવા લાગશે. તેમણે કહ્યું કે, દિલ્હીની મહિલાઓને ચૂંટણી પછી દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે.
દિલ્હીની મહિલાઓને 2100 રૂપિયા
કેજરીવાલે કહ્યું કે, ભાજપના લોકો કહે છે કે પૈસા ક્યાંથી આવશે. જ્યારે હું મફત વીજળી આપતો હતો ત્યારે પણ તેઓ આવું જ કહેતા હતા. હું જે કહું તે કરું છું. યોજના અમલમાં આવી છે પરંતુ ચૂંટણી બાદ ખાતામાં પૈસા આવશે. કેજરીવાલે કહ્યું કે આ માટે રજીસ્ટ્રેશન શુક્રવારથી શરૂ થશે. આ રજિસ્ટ્રેશન 1000 રૂપિયામાં નહીં પરંતુ 2100 રૂપિયામાં થશે. ચૂંટણી પછી તમારા ખાતામાં 1000 નહીં પરંતુ 2100 રૂપિયા આવશે. ચૂંટણી જીતીને જ્યારે અમારી સરકાર બનશે ત્યારે મહિલાઓના ખાતામાં દર મહિને 2100 રૂપિયા મોકલવામાં આવશે.
મારે જેલમાં જવાને કારણે યોજનાનો અમલમાં વિલંબ
પૂર્વ CM એ કહ્યું કે, અમે માર્ચમાં આ યોજનાની જાહેરાત કરી હતી. હું વિચારતો હતો કે તેઓ એપ્રિલ-મેમાં તેનો અમલ કરશે પરંતુ તેઓએ મને જેલમાં મોકલી દીધો એટલે મોડું થયું. લોકોનું કહેવું છે કે, આ યોજનાથી દિલ્હી સરકાર પર બોજ પડશે. પરંતુ મને લાગે છે કે તે ફાયદાકારક રહેશે. તમને મહિલાઓ તરફથી આશીર્વાદ મળશે. દિલ્લીમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે કેજરીવાલે અત્યારથી જ નવી નવી જાહેરાતો કરવાનું શરૂ કરી દીધું છે.
દિલ્હી સરકારની ‘મહિલા સન્માન યોજના’ પર મંત્રી ગોપાલ રાયે કહ્યું કે મહિલાઓ માટે આ એક મોટી જાહેરાત છે. દિલ્હીમાં માર્ચમાં બજેટમાં તેને પસાર કરવામાં આવ્યું હતું પરંતુ તેને રોકવા માટે અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આને રોકવા માટે ઘણા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ગુરુવારે અમને મોટી સફળતા મળી જ્યારે કેબિનેટે આ યોજનાને દિલ્હીમાં લાગુ કરી.