ગુજરાતમાં છેલ્લા અમુક દિવસથી ઠંડી કહેર વર્તાવી રહી છે. રાજ્યમાં કડકડતી ઠંડીનાં પગલે જનજીવન પ્રભાવિત થયું છે. લોકો તાપણી અને ગરમ પાણીનાં સહારે થયા છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતાં તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની સંભાવના છે. જ્યારે, રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા..ગુજરાતમાં ઠંડી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો લોકો હાલ અનુભવ કરી રહ્યા છે. સવારે અને રાતે કડકડતી ઠંડીનાં કારણે રોડ-રસ્તા સુમસામ થતાં કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળે છે. અમદાવાદ ગાંધીનગર, રાજકોટ, વડોદરા, અમરેલી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને બર્ફીલા પવનને કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે અને મોટાભાગનાં જિલ્લાઓમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
ક્યા જિલ્લામાં કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગે રાજકોટમા કોલ્ડ વેવની આગાહી કરી છે. સાથે જ હાડ થીજવતી ઠંડીમાં કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરી છે. રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી, રાજકોટમાં 9.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, અમરેલીમાં 12.4 ડિગ્રી, દ્વારકામાં 15.2 ડિગ્રી, સુરતમાં 15.2 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી અને નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડી શહેર બન્યું છે.
અમદાવાદ, ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં સતત પડી રહેલી ઠંડીના પગલે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ઠંડીનો પારો સતત ઘટી રહ્યો છે. ગુરુવારે નોંધાયેલી ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં અને રાજ્યના પાટનગરમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 13.2 ડિગ્રી અને સુરતમાં 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.
ઠંડા પવનો ફૂંકાવાના કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે શુક્રવારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં ભુક્કા કાઢી નાંખે એવી ઠંડી પડવાની ધારણા છે.