મળતી વિગતો અનુસાર નસવાડી તાલુકામાં ગુલ્લે બાજ શિક્ષકોનો રાફડો ફાટયો હોય તેમ એક પછી એક શાળાઓ બંધ હોવાના બનાવો સામે આવી રહ્યા છે… તલાવ પ્રાથમિક શાળા બંધ થઈ, ઝરી પ્રાથમિક શાળા બંધ રહી હતી. ત્યાર બાદ ફરી નસવાડીથી માત્ર 5 કીલોમીટરના અંતરે આવેલી ધોરણ 1થી 5ની ખોડીયા પ્રાથમિક શાળામાં 46 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓએ શાળા ખોલી અને શિક્ષિકા રજા રિપોર્ટ કર્યા વગર શાળાએ આવ્યા જ નહીં હોવાનો બનાવ સામે આવ્યો છે.. બાળકોએ શાળા ખોલી અને સાફ સફાઈ કરી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા બેઠા હતા.પણ શાળામાં હેમાક્ષી પટેલ શિક્ષિકા ગેર હાજર રહ્યા. વિદ્યાર્થીઓ એકલા બેસી રહ્યાં છે.
ઘટનાની જાણ તાલુકા શિક્ષણાધિકારીને જાણ થતાં બપોર બાદ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે અન્ય શિક્ષકને શાળામાં મુકવામાં આવ્યા હતા.આદિવાસી વિસ્તારમાં ગુલ્લી મારતા શિક્ષકોના કારણે આદિવાસી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી છોડતા નથી અને મોનીટરીંગ કરતા નથી. આદિવાસી બાળકોના ભવિષ્ય માત્ર કાગળ પર ચીતરીને વાહ વાહી કરવામાં આવી રહી છે. નસવાડી તાલુકાના ખોડીયા પ્રાથમિક શાળામાં ધો-1 થી 5 બાળકોએ શાળા ખોલી હતી. ત્યારે શિક્ષિકા હેમાક્ષી પટેલ ગેર હાજરી બતાવે છે. જેથી તાલુકાનું શિક્ષણ કથળી રહ્યું છે. આ શિક્ષિકા સામે કાયદાકીય પગલાં ભરાશે? કે દંડનીય કોઈ કાર્યવાહી થશે?
તાલુકા શિક્ષણ અધિકારીએ શું કહ્યું:-
આ ઘટના મુદ્દે તાલુકા શિક્ષણ અધિકારી જશવંત તડવીના જણાવ્યા અનુસાર ગુપાચાર્યની મિટીંગ હતી. ત્યાં જાણવા મળ્યું ખોડિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા હેમાક્ષી બહેન હાજર નથી. જેથી ગુપાચાર્યને પૂછતા શિક્ષિકા હેમાક્ષી બેને કોઈ પણ જાતનો રિપોર્ટ કરેલ નથી. જેથી મેં ગુપાચાર્ય ને તાત્કાલીક તાબાની શાળામાંથી વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થા કરવા જણાવેલ હતું. જેથી સાડા ત્રણ વાગ્યે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શિક્ષકને મોકલવામાં આવ્યા હતા. સદર શિક્ષિકા સામે કારણ દર્શક નોટિસ આપીશું. અને એમનો ખુલાસો આવ્યા બાદ ઉપલા અધિકારીને દંડનીય કાર્યવાહી કરવા માટે અમે જણાવીશું તેમ જણાવ્યું હતું.મહત્વનું છેકે બાળકનું શિક્ષણનું સ્તર ઉપર લાવવા માટે સરકાર લાખો રૂપિયાનો ખર્ચો કરે છે પણ કેટલાક શિક્ષકો એવા છે જેમણે શિક્ષણ વિભાગનો કોઈ ડર નથી. સાથે જ આ ઉપરાંત કોઈ પણ જાણકારી આપ્યા વગર શાળામાં હાજર ન રહેવું કેટલું યોગ્ય ?