રાજ્યમાં નકલીની ભરમાર હજુ પણ યથાવત જોવા મળે છે. કારણે કે સુરત શહેરમાંથી ફરી એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બે આરોપીઓની સુરત પોલીસે ધરપકડ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો, સુરત શહેરમાંથી થોડા સમય પહેલા નકલી ડૉક્ટર અને તેમની નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી. જે બાદ સુરત પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચેકિંગ કરવાનું ચાલું રાખ્યું હતું. અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો પર કાર્યવાહી કરી હતી જેમાં શનિવારે ફરી એકવાર સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી બે ઠગ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી છે.
વરાછા પોલીસે આ ઘટનામાં બે નકલી તબીબ અને એક કમ્પાઉન્ડરની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે,પકડાયેલા બંને શખ્સો સગાભાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંને ભેજાબાજ શહેરના જૂદા-જૂદા વિસ્તારોમાં નકલી ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા. પરંતુ આ ઠગાઈનો ઘંધો તેમના લાંબો સમય ચાલ્યો નહી અને આવી ગયા પોલીસના સકંજમાં. આ સગા ભાઈ કોઈપણ ડિગ્રી વગર છેલ્લાં કેટલાક સમયથી હોસ્પિટલ ચલાવી રહ્યા હતા.
આ બંને સગા ભાઈ સુરભી કોમ્પ્લેક્સ નજીક ગુપ્ત રોગ ક્લિનિકના નામે હોસ્પિટલ ચલાવતા હતા. પોલીસને ખાનગી રાહે બાતમી મળતા નેચરો હર્બલ ક્લિનિકમાં પોલીસે દરોડા પાડ્યા હતા. બંન્ને આરોપીઓ માત્ર ધોરણ 12 પાસ ભણ્યા હતા પરંતુ રૂપિયા કમાવા માટે તેઓએ જાણ ડૉક્ટરની લાઈનમાં પીએચડી કર્યું હોય તેમ પોતાને ડૉકટર માની બેઠા હતા. તેમજ રૂપિયા માટે હોસ્પિટલ પણ ઊભી દીધી હતી. ક્લિનિકમાંથી એલોપેથી સહિતની દવાઓ પોલીસે કબજે છે. પોલીસ પકડમાં આવેલા બંને શખ્સ મૂળ પશ્વિમ બંગાળના વતની હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. હાલ તો પોલીસે બંને શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આગામી સમયમાં શું વધુ સત્ય સામે આવે છે તેના પણ સૌની નજર રહેશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી કોર્ટ, નકલી કચેરી, નકલી ખાતર, નકલી દૂધ જેવા અનેક ઘટનાઓ સામે આવી છે. પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે છે તે છતાં કેટલાક ભેજાબાજો આ કામ છોડવા તૈયાર નથી. અને દરરોજ નવી નવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે સરકારે ખરેખરે પકડાયેલા શખ્સો પર કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે.