ગુજરાતમાં નકલીની ભરમાર યથાવત છે..નકલી પોલીસ, નકલી કોર્ટ, નકલી કચેરી, નકલી પનીર, નકલી દૂધ અને હવે શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના હીરા નગરી સુરતથી સામે આવી છે. દક્ષિણ ગુજરાતની નામચિન યુનિવર્સિટી સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોગસ માર્કશીટ-ડિગ્રીના આધારે એડમિશન મેળવી યુનિવર્સિટીની ડિગ્રી પણ મેળવી લીધી હોવાનો મોટો ખુલાસો સામે આવ્ય છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવા 62 વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાયો છે.
આ 62 માંથી એક બોગસ વિદ્યાર્થીએ તો બે વર્ષ સુધી MBBSનો અભ્યાસ કર્યો, તો બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક વિદ્યાર્થીએ બોગસ માર્કશીટના આધારે પ્રવેશ મેળવી B.Com.નો અભ્યાસ શરૂ કરી દીધો હોવાનું સામે આવતા હાહાકારી મચી ગયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટનું ક્રોસ વેરિફિકેશન કરાવે છે, જેમાં આ સમગ્ર રેકેટ પકડાયું હતું. પકડાયેલી તમામ બોગસ માર્કશીટ તામિલનાડુ, NIOS, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ-અલગ સંસ્થાઓની સામે આવી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અને તેની સાથે સંકળાયેલી કોલેજોમાં દર વર્ષે 70 હજાર વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. જેમાંથી લગભગ 6થી 7 હજાર વિદ્યાર્થીઓ અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીનું પાસ આઉટ કરીને આવેલા હોય છે. ગુજરાત સેકન્ડરી બોર્ડ દ્વારા તેમના વિદ્યાર્થીઓની માહિતી પહેલાથી જ યુનિવર્સિટીને અપાતી હોય છે તેથી એડમિશન વખતે જ તેઓનું વેરિફેકેશન થઇ જતું હોય છે. પરંતુ અન્ય રાજ્યના બોર્ડ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા બાદ તેઓની પહેલાના બોર્ડ કે યુનિવર્સિટી સાથે માર્કશિટનું વેરિફેકશન કરવામાં આવતું હોય છે.
મહત્વનું છેકે રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી નકલી ભરમાર ચાલી રહી છે. પોલીસ એક આરોપીને પકડી જેલમાં પૂરે અને ત્યાં તો બીજા આરોપીઓ નકલીની માયાજાળમાં સપડાય જતા હોય છે. ક્યાં તો પછી કોઈક ને કોઈ કાંડ કરતા પોલીસના સકંજમાં આવી જતા હોય છે. ગુજરાત સરકાર ઝીરો ટોલરન્સની વાતો જોર શોરથી કરે છે. પરંતુ ક્રાઈમના ગ્રાફમાં ઘટાડો થવાની જગ્યાએ ઘટાડો થઈ રહ્યો છે.એનો મતલબ એ થાય છે કે, આરોપીઓને કાયદોનો કે પોલીસનો ડર રહ્યો નથી.