રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ અપાતી હતી. જો કે, છેલ્લા કેટલાક સમયથી આ શિષ્યવૃતિ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવતા આદિજાતિ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતની ભાજપ સરકાર આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃતિ પુન:બહાલ કરે તેવી માંગ સાથે ડાંગ જિલ્લામાં આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ડાંગ જિલ્લાની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ડાંગ જિલ્લામાં ભાજપ વિરોધી સુત્રોચાર સાથે હાથમાં પ્લે કાર્ડ લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. અને કલેક્ટરને આવેદન પત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ રેલીની આગેવાની ડાંગ જિલ્લા કોંગ્રેસ અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં નીકળી હતી.
આ રેલી મુદ્દે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યા કે આ રેલી પાછળનું આયોજન છેતે, આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે આપવામાં આવતી સહાય પેટે ફ્રી શિપ કાર્ડ બંધ કરવાનો જાહેર કરવામાં આવ્યો હતો તેના વિરોધમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રી શિપ કાર્ડ શિષ્યવૃત્તિ યોજનામાં ફેરફાર કરતા આદિજાતિ વિદ્યાર્થીઓને ખૂબ મોટો અન્યાય થાય રહ્યો છે. ભાજપ સરકારના આ નિર્ણયને કારણે આદિજાતિ સમાજના હજારો બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી જશે. સરકાર જો આ નિર્ણય પાછો નહીં લે આગામી સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે તેવું ધારાસભ્ય આનંદ પટેલે જણાવ્યું હતું.
ફ્રી શીપ કાર્ડ શું છે?
આ યોજના મુજબ જે વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થાઓમાં (પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં) પ્રવેશ મેળવવા માંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડ” દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ ખાતામાં જઈ ને ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ તે ફ્રી શીપ કાર્ડ મેળવી જે તે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન મેળવી શકે છે. આમ તે વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ (Freeship Card) રજૂ કરી પોતાની જેટલી ફી ભરવાની હોઈ તે માફ કરાવી શકે છે.
પરંતુ આ યોજના સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી આદિવાસી વિદ્યાર્થીઓ માટે બંધ કરી દેતા રાજ્યભરમાં વસવાટ કરતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ જિલ્લા કલેક્ટરને આવેદન આપી વિરોધ કરી રહ્યા છે. તેમજ સરકાર ફરી આ ફી શિપ કાર્ડ યોજના શરૂ તેવી માંગ કરવામાં આવી રહી છે.