મુંબઈના દરિયાકાંઠા નજીક બુધવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ વાત કરીએ તો બુધવારે બપોરે લગભગ 3.55 વાગ્યે નેવલ બોટ નીલકમલ નામના પેસેન્જર જહાજ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતો. આ ઘટના બાદ અફરા તફરીનો માહલો સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
મુંબઈના સીએમ ફડણવીસે અકસ્માતની નોંધ લીધી
આ દર્દનાક ઘટનાની માહિતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ નોંધ લીધી છે. માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈ નજીક બુચર ટાપુ પાસે આ દુઃખદ અકસ્માત થયો હતો. એક સ્પીડ બોટે કાબુ ગુમાવ્યો હતો અને બોટ સાથે અથડાઈ હતી. જેમાં 10 નાગરિકો અને 3 નેવી કર્મચારીઓ સહિત 13 લોકોના દુઃખદ મોત થયા છે. જ્યારે 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
![Source:PTI](https://www.loksamachar.in/wp-content/uploads/2024/12/7459.png)
એલિફન્ટા ટાપુ તરફ જઈ રહેલી નીલકમલ નામની બોટના અકસ્માતની માહિતી મળી હતી. નેવી, કોસ્ટ ગાર્ડ, પોર્ટ અને પોલીસની ટીમોને તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે મોકલવામાં આવી હતી. તેમજ જિલ્લા અને પોલીસ પ્રશાસન સાથે સતત સંપર્કમાં છીએ. મોટાભાગના નાગરિકોને બચાવી લેવાયા છે. જો કે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. બચાવ કામગીરી માટે તમામ જરૂરી મશીનરી તૈનાત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યા છે.
મૃતકોના પરિવારોને 5 લાખ રૂપિયાની સહાય
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારના સભ્યને સીએમ ફંડાવીસે વળતરની પણ જાહેરાત કરી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને સીએમ રિલીફ ફંડમાંથી 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
કેવી રીતે બની ઘટના ?
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના સમયે નીલકમલ નામની બોટમાં લગભગ 80 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર હતા. બોટ મુંબઈ નજીકના લોકપ્રિય પર્યટન સ્થળ એલિફન્ટા આઈલેન્ડ જઈ રહી હતી. તે દરમિયાન સાંજે 4 વાગ્યાની આસપાસ એક સ્પીડ બોટ તેની સાથે અથડાઈ હતી. સ્પીડ બોટ અથડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 13 લોકોના ઘટના સ્થળે મોત થયા છે.જ્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 100થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ માહિતી જ્યારે લખાઈ રહ્યા છે ત્યારે પણ પોલીસ અને બચાવ કામગીરી ટીમો ઘટના સ્થળે છે અને કામગીરી કરી રહી છે.