હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે આ વાત દરેક ભારતીયને ખબર છે. પરંતુ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને હિન્દી આપણી રાષ્ટ્ર ભાષા નથી તેવું નિવેદન આપતા સોશિયલ મીડિયામાં હંગામો મચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. અશ્વિનના આ નિર્ણયથી ચાહકોને આંચકો લાગ્યો. અશ્વિન ગાબ્બા ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયાથી સ્વદેશ પરત ફર્યો હતો. પરંતુ આ બધાં વચ્ચે એક નિવેદન આપતા ફરી એકવાર રવિચંદ્રન અશ્વિન મુશ્કેલીમાં મુકાય ગયો છે.
અશ્વિનના નિવેદનથી વિવાદ શરૂ થયો
રવિચંદ્રન અશ્વિને આવું નિવેદન આપ્યું છે, જેને કારણે હોબાળો મચી ગયો છે. અશ્વિને ચેન્નઈની એન્જિનિયરિંગ કોલેજમાં એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું કે, હિન્દી ભારતની રાષ્ટ્રીય ભાષા નથી. અશ્વિનના આ નિવેદનથી ફરી એકવાર ભાષા પર ચર્ચા જાગી છે. અશ્વિને પોતાના સંબોધન દરમિયાન વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે, શું કોઈને હિન્દીમાં પ્રશ્નો પૂછવામાં રસ છે કે જેના પર કોઈએ રસ દાખવ્યો ન હતો. “મને લાગ્યું કે મારે આ કહેવું જોઈએ. હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા નથી, તે એક સત્તાવાર ભાષા છે.”
આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોએ દલીલ કરી કે અશ્વિનએ આવા મુદ્દાઓ પર ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. એક યુઝરે લખ્યું, ‘અશ્વિને આ પ્રકારની વાત ન કરવી જોઈએ. મને આ પસંદ નથી. હું તેમનો ફેન છું. તમે જેટલી વધુ ભાષાઓ શીખશો, તેટલું સારું. આપણા ફોનમાં કોઈપણ ભાષાનો અનુવાદ ઉપલબ્ધ છે. સમસ્યા શું છે, ભાષાનો મુદ્દો લોકો પર છોડી દો.’ “અશ્વિને ઇન્ટરવ્યુમાં પહેલેથી જ કહ્યું છે કે જ્યારે તમે તમિળનાડુની બહાર જાઓ છો અને હિન્દી જાણતા નથી.
અશ્વિનના નિવેદન પર રાજકારણ શરૂ થયું
ડીએમકે એ આર. અશ્વિનના નિવેદનનું સમર્થન કર્યું છે. ડીએમકે નેતા ટી.કે.એસ. એલાંગોવન કહ્યું, ‘જ્યારે અનેક રાજ્યો અલગ-અલગ ભાષાઓ બોલે છે ત્યારે હિન્દી રાષ્ટ્રભાષા કેવી રીતે બની શકે?’ જોકે ભારતીય જનતા પાર્ટી (BJP) એ અપીલ કરી છે કે ભાષા પર ફરીથી વિવાદ શરૂ ન થવો જોઈએ. ભાજપ નેતા ઉમા આનંદન કહ્યું, ‘ડીએમકે તરફથી આની પ્રશંસા કરવી કોઈ આશ્ચર્યજનક વાત નથી. હું તેમને પૂછવા માંગુ છું કે અશ્વિન રાષ્ટ્રીય ક્રિકેટર છે કે તામિલનાડુના ક્રિકેટર છે.’
હિન્દીને ફરજિયાત ભાષાને લઈ થયો હતો વિવાદ
૧૯૩૦-૪૦ ના દાયકામાં તામિલનાડુમાં શાળાઓમાં હિન્દીને ફરજિયાત ભાષા તરીકે લાગુ કરવાનો ભારે વિરોધ થયો હતો. દ્રવિડ આંદોલનનો ઉદ્દેશ્ય તામિલ ભાષાને પ્રોત્સાહન આપવાનો અને તામિલ ભાષીઓના અધિકારોનો દાવો કરવાનો હતો. આ આંદોલને હિન્દી ભાષાના વિરોધમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. દ્રવિડ રાજકીય પક્ષો જેવા કે ડીએમકે, એઆઈએડીએમકે લાંબા સમયથી હિન્દીને બદલે તામિલના ઉપયોગની વકતવ્યતા કરતા રહ્યા છે. તેમનો તર્ક છે કે હિન્દીને પ્રોત્સાહન આપવાથી તામિલ જેવી પ્રાદેશિક ભાષાની સ્થાનિક ઓળખ હાંસિયામાં ચાલી જશે.