અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. નરોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પોલીસની ગાડીમાં જ દારૂ અને બેનામી રોકડ રકમ સાથે ઝડપાયા ગયા છે. નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇને બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા પીસીઆર વાનમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા સતીશ જીવણ ઠાકોરની હાજરી દરમિયાન વિદેશી દારૂની બોટલ ઉપરાંત રૂપિયા 30,000ની રોકડ રકમ મળી આવતા અનેક સવાલ થવા પામ્યા છે. કે પોલીસ કર્મચારીઓ રૂપિયા અને વિદેશી ક્યાંથી લાવ્યા તેને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે.
દારૂની બોટલ અને 30 હજાર રોકડા મળ્યા !
પીસીઆર ઇન્ચાર્જની સાથે અન્ય એક હોમગાર્ડ જવાન પણ હાજર હતો, જેનું નામ વિક્રમ રણજીત રાજપુત છે. નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સમાવિષ્ટ પોલીસ લાઈન પાસે PCR વાન સાથે હાજર હતા. દરમિયાન નરોડા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસના વાહનના પાછળના ભાગે બે બોટલ વિદેશી દારૂની હતી. જેની કિંમત 2000 રૂપિયા થાય છે સાથે જ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પાસેથી રૂપિયા 30,000ની રોકડ રકમ મળી આવી હતી. નરોડા પોલીસે બંનેની પ્રાથમિક પૂછપરછ કરી એ દરમિયાન હકીકત સામે આવી કે હંસપુરા બ્રિજ નજીક એક રીક્ષા ચાલક પાસેથી બે બોટલ દારૂ મેળવી લીધો હતો, જોકે તેની સામે કાર્યવાહી કરી કેસ દાખલ કર્યો ન હતો.
પોલીસે તોડ કર્યો કે શું તે મુદ્દે તપાસ ?
નરોડા પોલીસે ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે રીક્ષા ચાલક પાસેથી લીધેલ દારૂ અંગે શું કોઈ તોડ કર્યો હતો કે કેમ ? કારણ કે બંને પાસેથી રોકડ રકમ મળી આવી છે. જે અંગે કોઈ સ્પષ્ટ કે સંતોષકારક જવાબ મળ્યો નથી. જો તપાસમાં સામે આવશે કે બંને સાથે મળીને દારૂ બાબતે તોડ કર્યો છે, તો તે અંગે પણ કલમો ઉમેરીને કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી બતાવી છે.
ગુજરાતમાં છે દારૂબંધી તો દારૂ ક્યાંથી આવ્યો ?
મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ ક્યાંથી આવ્યો તેને લઈ પણ અનેક સવાલ સામે આવી રહ્યા છે. સાથે જ પોલીસની pcr ગાડીમાંથી દારૂ મળી આવતા પોલીસ કર્મચારીઓ સામે પણ અનેક સવાલ ઊઠી રહ્યા છે.