ગુજરાતમાં ચોરીની ઘટના બનવી કોઈ મોટી વાત નથી કારણ કે રાજ્યમાં ચોરી, લૂંટ, હત્યા, દુષ્કર્મ જેવી ઘટના દરરોજ બનતી રહેતી હોય છે. આ બધાં વચ્ચે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ચોરીની ઘટના બનતા હાહાકાર મચી ગયો છે. હાહાકાર એટલા માટે કે, આ વખતે ખુદ ન્યાયાધીશ અને PSIના ઘરમાં ચોરીની ઘટના બની છે.
શું છે સમગ્ર મામલો ?
અમદાવાદ જિલ્લાના ધોળકા અને ધંધુકામાં તસ્કરોએ ઘરફોડ ચોરી કરતા આ મુદ્દે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં રહેતા ધોલેરાના પ્રિન્સિપાલ સિવિલ જજના બંગલામાં ચોરી કરવામાં આવી છે. આ વખતે ભેજાબાજ ચોર વી.વી. જોશીના બંગલમાં ત્રાટક્યા હતા અને કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત ધોળકામાં રહેતા સુરતના PSIના ઘરે પણ ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. PSI પ્રભુ કોટવાલના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા અને ત્યાંથી પણ કિંમતની ચીજવસ્તુઓ ચોરી કરી ફરાર થઈ ગયા ગયા હતા.
તસ્કરો બંધ મકાનમાંથી 9 તોલાના સોનાના ઘરેણાં સહિત મુદ્દામાલ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના સામે આવતા ભોગ બનનાર લોકોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધી ચોરી કરનાર કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ સાથે જ તસ્કરોને ઝડપી પાડવા માટે ધોળકા અને ધંધુકા પોલીસે સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઈ તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે હવે જવું એ રહ્યું કે, આ ચોર ટુકડી ક્યારે પોલીસના સકંજામાં આવે છે.