સુરતના પલસાણા તાલુકાના બારસડી ગામે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પલસાણાની ગાંગધરા આઉટ પોસ્ટના પોલીસકર્મી પર તલવારથી હુમલો કરવામાં આવ્યો છે. અમદાવાદનો યુવક પલસાણાના બારસડી ગામે રહેતી પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. તે દરમ્યાન પ્રેમિકાને મળવાનું ના કહેતા ખુલ્લી તલવાર સાથે બારસડી ગામાં આતંક મચાવ્યો હતો.
ગ્રામજનોએ પોલીસને બોલાવતા હુમલો
માથા ફરેલા યુવકના આતંકથી ગ્રામજનો ડરી ગયા હતા જેથી સ્થાનિક લોકોએ 100 નંબર ડાયલ કરી પોલીસને બોલાવતા યુવકે પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મી નિકેત પટેલને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે બારડોલી શહેરમાં આવેલી સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડાયા છે. તો બીજી તરફ પોલીસ પર હુમલો કરનાર યુવકની અટકાયત કરી લીધી છે.