ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં અમાસના સ્નાન પર્વ પર ભીડ વધવાથી નાસભાગ મચી ગઈ હતી. આ દુઃખદ ઘટનામાં 30થી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હોવાની આશંકાઓ છે. જ્યારે અન્ય કેટલાયે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી રહી છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એટલે મૃતકાંક પણ વધવાની શક્યતાઓ છે. માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કોલેજ મહાકુંભમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં પણ રેફર કરવામાં આવ્યા હતા.

ભીડ વધતા ઘટના બની
મહાકુંભ મેળાના OSD આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જો કે, ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક હજુ વધી શકે છે, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જાણકારી અનુસાર આ નાસભાગ એક અફવાને કારણે મચી હતી.

અમૃત સ્નાનનો કાર્યક્રમ રદ કરાયો
નાસભાગની ઘટના બાદ આજનો અમૃત સ્નાન રદ કરવામાં આવ્યો હતો. અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અખાડાઓએ બેઠક કરીને સ્નાન રદ કરવાનો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અમૃત સ્નાન ફરી શરૂ કરવામાં આવશે. આ ઘટનાને પગલે મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

પીએમ મોદીએ ઘટનાની જાણકારી મેળવી
આ ઘટના બાદ પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના સીએમ યોગીને ફોન કરી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી છે. નાસભાગની ઘટના બાદ વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજેમૌની અમાસના અમૃત સ્નાનને રદ કરી દીધું છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, સંગમ નોઝ પર ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી. તેમણે ઘટના વિશે માહિતી મેળવી.