સ્ટાર બેટસમેન વિરાટ કોહલી આજકાલ સોશ્યિલ મીડિયામાં વધારે સર્ચ થઈ રહ્યો છે. કારણ કે ક્રિકેટ પ્રેમીઓ વિરાટ કોહલીના દિવાના છે અને તેની ઝલક ગુરુવારે દિલ્હી અને રેલવે વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં જોવા મળી હતી, જ્યારે તેનું નામ સાંભળતા જ દર્શકો ઉત્સાહથી ચીસો પાડવા લાગ્યા હતા અને ભારે ભીડને રોકવી મુશ્કેલ બાબત બની ગઈ હતી. વિરાટ કોહલી 13 વર્ષથી રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે. DDCAએ કોહલીની ‘ઘર વાપસી’ મેચમાં હાજરી આપવા માટે અંદાજે દસ હજાર પ્રેક્ષકોનો અંદાજ લગાવ્યો હતો, જે રણજી ટ્રોફી મેચમાં એક રેકોર્ડ છે. કોહલીનો જાદુ એવો છે કે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું અને મોટી સંખ્યામાં લોકો આવ્યા.
આટલી મોટી સંખ્યામાં ઉમટી ભીડ
રમત 9:30 વાગ્યે શરૂ થવાની હતી અને તેના ઘણા સમય પહેલા જ દર્શકોની કતારો શરૂ થઈ ગઈ હતી. DDCAએ સૌપ્રથમ 6000ની ક્ષમતાવાળું ‘ગૌતમ ગંભીર સ્ટેન્ડ’ ખોલ્યું પરંતુ ભીડને કારણે તેને 11000ની ક્ષમતાવાળું ‘બિશન સિંહ બેદી સ્ટેન્ડ’ ખોલવું પડ્યું. મેદાન પર હાજર એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું, “મેં રણજી ટ્રોફીમાં આવું ક્યારેય જોયું નથી.
આ દરમિયાન મહાત્મા ગાંધીજીને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પણ તે જ સ્થળેથી પસાર થઈ રહ્યો હતો. ડીડીસીએના સચિવ અશોક શર્માએ પીટીઆઈને કહ્યું, “હું 30 વર્ષથી વધુ સમયથી દિલ્હી ક્રિકેટ સાથે જોડાયેલો છું પરંતુ રણજી ટ્રોફીની મેચમાં આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી. આ સાબિત કરે છે કે કોહલીની લોકપ્રિયતાનો કોઈ મુકાબલો નથી.
ભારે ભીડના કારણે સ્ટેડિયમના વધારાના દરવાજા તરત જ ખોલવામાં આવ્યા હતા,” પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું. કોઈને ઈજા થઈ નથી અને પરિસ્થિતિ કાબૂમાં છે.” છેલ્લી વખત ઘરેલું મેચમાં આવી ભીડ જોવા મળી હતી જ્યારે સચિન તેંડુલકરે 2013માં હરિયાણાના લાહલીમાં મુંબઈ માટે તેની છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. તે સ્ટેડિયમમાં દર્શકો માટે એક ગેલેરી પણ નહોતી અને 8000 દર્શકો મેદાનમાં આવી ગયા હતા.
કોહલીની બેટિંગ જોવા લોકોની ભીડ
કોહલીની બેટિંગ જોવાની ભીડની આશા તરત જ પૂર્ણ થઈ ન હતી કારણ કે દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મેદાન પર કોહલીની હાજરી દર્શકો માટે પૂરતી હતી. કોહલી બીજી સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને તેની દરેક હિલચાલને વખાણવામાં આવી હતી. બારમી ઓવરમાં, એક ખૂબ જ ઉત્સાહિત દર્શક સુરક્ષા કોર્ડન તોડીને તેની તરફ દોડ્યો અને તેના પગને સ્પર્શ કર્યો. બાદમાં સુરક્ષાકર્મીઓએ તેને બહાર કાઢ્યો હતો.