દેશમાં છેલ્લાં એક મહિનામાં અનેક મોટી દુર્ઘટનાઓ બની છે. જે ઘટનાઓમાં અનેક લોકોના મોત થયા છે. મહાકુંભમાં નાસભાગની ઘટના બાદ હવે વારાણસીમાં મોટી દુર્ઘટના બની છે. દશાશ્વમેધ ઘાટની સામે ગંગામાં બે બોટ અથડાઈ હતી. ત્યારે બાદ હોડી પલટી મારી ગઈ હતી. જેના કારણે હોડીમાં સવાર તમામ મુસાફરો નદીમાં ડૂબવા લાગ્યા હતા. તમામ મુસાફરો ઓડિશાના રહેવાસી હતા અને ગંગાના દર્શન કરવા માટે આવ્યા હતા. રાહતની વાત એ છે કે તમામ શ્રદ્ધાળુઓએ લાઈફ જેકેટ પહેર્યા હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો. એનડીઆરએફ અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી કરતા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે નાની હોડી સાથે મોટી બોટ અથડાઈ હતી. ટક્કર બાદ નાની હોડી બે
કાબૂ થતાં પલટી મારી ગઈ હતી. પરંતુ એનડીઆરએફ અને વોટર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બધાએ લાઈફ જેકેટ પહેર્યા હોવાથી કોઈનું મોત થયું નથી. APC ડૉ. એસ ચિનપ્પાએ કહ્યું- ‘આજે ગંગામાં બે ખાનગી બોટ ટકરાઈ. એક બોટમાં 58 લોકો સવાર હતા, જ્યારે બીજી બોટમાં 6 લોકો સવાર હતા. મોટી બોટ નાની બોટને ટક્કર મારતાં તે પલટી ગઈ હતી.
લોકોને બચાવનાર યુવકે શું કહ્યું ?
બચાવ કાર્યમાં લાગેલા નાવિક વિનોદ નિષાદે જણાવ્યું – સવારે 11 વાગ્યાની આસપાસ ઓરિસ્સાના પ્રવાસીઓથી ભરેલી બોટ મણિકર્ણિકા ઘાટથી અસ્સી તરફ જઈ રહી હતી. રાજસ્થાનના લોકોને લઈને વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી અન્ય એક ડીઝલ બોટ તેની સાથે અથડાઈ હતી જેના કારણે આ ઘટના બની હતી. બંને બોટનું સંતુલન બગડી ગયું હતું. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઓરિસ્સાથી બોટમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હોવાના કારણે બોટ અસંતુલિત બનીને પલટી ગઈ હતી. તમામ મુસાફરોએ લાઈફ જેકેટ પહેર્યા હતા. બોટ પલટતી જોઈને બંને કાંઠાના ખલાસીઓ બોટ લઈને બચાવ માટે નીકળી પડ્યા હતા. માહિતી મળતાં જ ગંગામાં પેટ્રોલિંગ કરી રહેલા વોટર પોલીસ અને એનડીઆરએફના જવાનો પણ આવી પહોંચ્યા અને બધાને એક-એક કરીને બહાર કાઢીને ઘાટ પર લાવવામાં આવ્યા. પોલીસે બંને ખલાસીઓની શોધખોળ હાથ ધરી છે.આ ઘટનામાં કોઈનું પણ મોત થયું નથી. લોકો સહીસલામત રીતે બહાર આવી ગયા હતા