આદિવાસી વિસ્તારમાં વિકાસ કરવાની ભાજપ સરકારની મોટી-મોટી વાતો ક્યાંકને ક્યાંક ખોટી પડી રહી છે. કારણ કે એક તરફ ગુજરાતની ભાજપ સરકાર વિકાસશીલ ગુજરાતની મોટી-મોટી વાતો કરે છે. પણ આદિવાસી વિસ્તારમાં આજે પણ 713 જેટલી આંગણવાડીઓના મકાન નથી. આ બધાં વચ્ચે આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસના મંત્રીને તારાંકિત પ્રશ્નોતરીમાં પ્રશ્ન પૂછયો હતો કે તારીખ 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં તાલુકાવાર કેટલાય ગામોમાં આંગણવાડી કેન્દ્રોને પોતાના મકાન નથી.
સાથેજ ચૈતર વસાવાએ આંકડાઓ પણ રજૂ કરતા કહ્યું હતું કે, નર્મદા જિલ્લાના 261 ગામમાં 334 કેન્દ્રોના મકાન નથી. જ્યારે છોટાઉદેપુરના 339 ગામમાં 389 આંગણવાડીઓના મકાન નથી. ચૈતર વસાવાએ કહ્યું કે, આટલું મોટું બજેટ છતાં નાના બાળકોને બેસવા માટે જગ્યા નથી. આદિવાસી વિસ્તારોમાં બાળકો પરેશાન છે. તેમજ કુપોષણની સ્થિતિનો આંકડો પણ વધી રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં સરકારના યોગ્ય આયોજનના અભાવે બાળકોને ભોગ બનવાનો વારો આવી રહ્યો છે.
ચૈતર વસાવાનો પ્રશ્નો..પ્રફુલ પાનસેરિયાનો જવાબ
ચૈતર વસાવાના પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જવાબ આપતા કહ્યું હતું કે, નર્મદા જિલ્લા અને તાલુકાઓમાં પોતાના મકાન ન હોય તેવા કેન્દ્રોની સંખ્યા ડેડીયાપાડામાં 71, ગરુડેશ્વરમાં 55, નાંદોદમાં 74, સગબારામાં 83, તિલકવાડામાં 51 જ્યારે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 62, છોટા ઉદેપુરમાં 67, કવાંટમાં 73, નસવાડીમાં 75, પાવી જેતપુરમાં 68 અને સંખેડામાં 34 આંગણવાડીઓના મકાન નથી.
મહત્વનું છે કે, સરકાર આદિવાસી સમાજના વિકાસ માટે ખૂબ મોટી-મોટી જાહેરાતો તો કરે છે. પરંતુ તો ખરેખર વિકાસ થયો છે કે નહી તે તો ગ્રાઉન્ડ લેવલ પર જાવ ત્યારે ખબર પડે. ખરેખર સરકારે નાના ભૂલકાઓ માટે યોગ્ય વિકાસ અને આયોજન કરવાની જરૂર છે.