ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી શનિવારે તાપી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાને 49 ઇ-વ્હીકલની ભેટ આપી હતી. કચરો એકત્ર કરી રિસાયકલ કરવા માટે એજન્સીઓને કચરો વેચી તમામ ગ્રામ પંચાયતો આવક મેળવશે તેવી નેમ ગુજરાતના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
તો આ તરફ તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. પ્રજાસત્તાકની ઉજવણી પહેલા શનિવારની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વ્યારા શહેરના સયાજી મેદાનમાં “એટ હોમ” નામનો કાર્યક્રમ યોજાયો હતો.
મહત્વનું છેકે તાપી જિલ્લાની 49 ગ્રામ પંચાયતો માટે રૂપિયા 1.02 કરોડના ખર્ચે આ ઈ-રિક્ષાઓ ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમણ કરશે. ઘરે ઘરે કચરો એકત્ર કરી તેને સેગ્રીગેટ કરી ભીના કચરાને કમ્પોસ્ટ કરવા માટે ઉપયોગ કરશે અને સુકા કચરાને એજન્સીને રિસાયકલ કરી ગ્રામ પંચાયતો આવક પણ મેળવી શકશે.
ક્યા તાલુકામાં કેટલી ઈ-વ્હીકલ ફાળવણી થશે
ઉચ્છલ તાલુકાના 7 ગામો માટે ઇ-વ્હીકલ
સોનગઢ તાલુકાના 12 ગામો ઈ-વ્હીકલ
વ્યારા તાલુકામાં 10 ઇ-વ્હીકલ
ડોલવણ તાલુકા 5 ઇ-વ્હીકલ
નિઝર તાલુકામાં 5, કુકરમુંડા તાલુકા 4
વાલોડ તાલુકા માટે ૫ ઇ-વ્હીકલ
કુલ મળી 49 ઇ-વ્હીકલ તાપી જિલ્લાને અર્પણ કરવામાં આવી.