રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા મધ્ય સત્ર ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાની (૧) ૨૨-ઝાંક તાલુકા પંચાયત મતદાર મંડળ તથા (૨) ૨-ભાદોડ તાલુકા પંચાયત મતદાર મંડળની પેટા ચૂંટણી માટે તા. ૧૬/૦૨/૨૦૨૫ને રવિવારના રોજ મતદારો દ્વારા મતદાન યોજાઈ હતી. જેના તા.૧૮/૦૨/૨૦૨૫ને મંગળવારના રોજ સાગબારા તાલુકા પંચાયત ખાતે અને દેડિયાપાડા સેવાસદન ખાતે પણ સવારે ૯.૦૦ કલાકે ચૂંટણી અધિકારી તથા ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓની હાજરીમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
દેડિયાપાડા તાલુકા મતદાર વિભાગની ૨૨-ઝાંક(અ.આ.જા.) તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ ચાર હરિફ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કુલ ૪૭૩૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે પૈકી ગંભીરભાઈ જાતરીયાભાઈ વસાવાને ૪૧૩ મત, રાહુલભાઈ મથુરભાઈ વસાવાને ૨૬૩૮ મત, સુરેશભાઈ ખાનસિંગભાઈ વસાવાને ૧૪૭૯ મત અને રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ વસાવાને ૧૧૯ મત મળ્યા હતા, જ્યારે નોટામાં ૮૩ મત પડ્યા હતા.
તેવીજ રીતે સાગબારા તાલુકા મતદાર વિભાગની ૨-ભાદોડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ ત્રણ હરિફ ઉમેદવારો નોંધાયા હતા. જ્યારે કુલ ૪૩૩૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે પૈકી શ્રીમતી સરજનાબેન અશ્વિનભાઈ વસાવાને ૨૧૧૦ મત, શ્રીમતી સરલાબેન અર્જુનભાઈ વસાવાને ૪૯૧ મત, શ્રીમતી સંધ્યાબેન પ્રવિણકુમાર વસાવાને ૧૬૮૮ મત મળ્યા હતા અને નોટામાં ૪૯ મત પડ્યા હતા. બંને તાલુકા મથકોએ ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાયેલી આ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.