હિંદલા મેઢા રોડ પર શનિવારે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કુલ ત્રણ લોકોના મોત થયા હતા. ઘટનામાં નવચાલીના એક જ પરિવારના બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનામાં બંને બાઈક પર ત્રિપલ સવારી લોકો મુસાફરી કરી રહ્યા હતા. જે દરમ્યાન મેઢા ગામ પાસે બંને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં નવચાલીના એક જ પરિવારના બે સભ્ય એટલે કે ગામીત યાકુબ અને ગામીત આયુષ કુમારનું મોત થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હોય તેવા દ્રશ્યો નિર્માણ થવા પામ્યા છે. જ્યારે આજ પરિવારની એક મહિલાને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
તો બીજી તરફ KTM ગાડી પર સવાર થઈ રહેલા ત્રણ લોકોમાંથી એક યુવકનું સારવાર દરમ્યાન મોત થયું છે. જ્યારે અન્ય બે લોકોની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ સોનગઢ પોલીસને થતાં પોલીસે સમગ્ર બનાવ મુદ્દે વધુ તપાસ હાથ ધરી.