ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું બજેટ ગુરૂવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. દર વખતની જેમ આ વખતે પણ નાણામંત્રી કનુ દેસાઈએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું હતું. અગાઉ વર્ષ 2025-26 માટે 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતના બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત વિશેષ કરવામાં આવ્યું. ખાસ કરીને નાણાપ્રધાન કનુ દેસાઇએ બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઇ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રો માટે જાહેરાતો કરી.
ત્રણ લાખથી વધુ આવાસોના નિર્માણની જાહેરાત
આ વખતના બજેટમાં સરકારે ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરાશે તેવી જાહેરાત કરી છે. ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1 લાખ 20 હજાર રૂપિયાની સહાયમાં મકાનદીઠ 50 હજારનો વધારો કરવાની જાહેરાત કરી છે.
બજેટને સીએમ ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું
ગુજરાત સરકારના બજેટ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાજ્યના વિકાસની નવી ઊંચાઇઓ સર કરનારું વિઝનરી બજેટ.. વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર રહેવા ગુજરાત સંકલ્પબદ્ધ રહ્યું છે. વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
બજેટ અંગે અમિત ચાવડાનું નિવેદન
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટ અંગે વિપક્ષના નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનું બજેટ ચીલાચાલુ છે.. સરકારનું બજેટ ગામડાઓને તોડનારું ગણાવ્યું સાથે જ મહિલાઓ, યુવાનો અને ખેડૂતોની આશા બજેટમાં ઠગારી નીવડી હોવાનું જણાવ્યું સાથે જ બજેટમાં ગ્રામ્ય વિકાસ માટેની કોઇ નવી યોજના ન હોવાનું જણાવ્યું. બજેટમાં ખેડૂતોને દેવા માફીની આશા હતી પરંતુ સરકારે કોઇ જાહેરાત ન કરી હોવાનું કહી સરકાર પર પ્રહાર કર્યાં હતા.
બજેટનો જિજ્ઞેશ મેવાણીએ કર્યો વિરોધ
ગુજરાતના બજેટનો કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે, ગુજરાત સરકારના બજેટને નિરાશા જનક ગણાવ્યું હતું.. બજેટની ટિકા કરતા મેવાણીએ કહ્યું કે રાજ્ય સરકારે બજેટમાં મોટા-મોટા આંકડા દેખાડવાનું કામ કર્યું છે.. પરંતુ બેરોજગાર યુવાનો માટે કોઈ ભરતીની જાહેરાત બજેટમાં કરવામાં આવી નથી તેવું કહી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યાં હતા.