ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીતી લીધું છે. ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ બાદ ફરી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારતે સતત બીજા વર્ષે ICC ટ્રોફી પર કબજો કરીને દુબઈમાં ત્રિરંગો લહેરાવ્યો છે. આ પહેલા ભારતીય ટીમે 2024માં ટી 20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. છેલ્લી ઓવરોમાં રોહિત શર્માના 76 રન, શ્રેયસ અય્યરના 48 રન અને હાર્દિક પંડ્યાના 18 રનની કેમિયો ઈનિંગે પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ભારત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન
ભારતે કુલ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દેશ પણ બની ગયો છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા પણ બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુક્યું છે. ભારતે 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી શેર કરી હતી, ત્યારબાદ 2013માં ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની કપ્તાનીમાં ટ્રોફી જીતી હતી. હવે 2025માં ભારત ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યું છે.

ભારતનો 25 વર્ષ જૂનો બદલો પૂર્ણ
આ જીત સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામેનો 25 વર્ષ જૂનો બદલો પણ પૂરો કર્યો છે કારણ કે ન્યૂઝીલેન્ડે 2000ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. વર્ષ 2000માં જ્યારે બંને ટીમોની ફાઈનલ મેચ થઈ ત્યારે સૌરવ ગાંગુલીએ ભારત માટે 117 રનની સદીની ઈનિંગ રમી હતી. પરંતુ ક્રિસ કેર્ન્સની 102 રનની અણનમ ઇનિંગ ભારતીય ટીમ પર ભારે પડી હતી. આ વખતે દુબઈમાં કોઈ સદી ફટકારી ન હતી, પરંતુ રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગાના રૂપમાં વિનિંગ શોટ ફટકારીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી.