ગુરૂવારે રાત્રે ઈઝરાયલમાં અડધી રાત્રે એવી ઘટના બની કે લોકો ઊંધમાંથી ઊભા થઈ ગયા છે. અંહી અચાનક એક પછી એક અનેક બસોમાં વિસ્ફોટ થયા હતા. જેના કારણે ઇઝરાયલ હચમચી ગયું હતું. તેલ અવીવમાં ઘણી બધી બસોમાં મોટા વિસ્ફોટ થયા હતા, જેના કારણે ત્યાં ગભરાટ ફેલાયો હતો. શરૂઆતની માહિતી મુજબ, ત્રણ બસોમાં વિસ્ફોટ થયા હતા. 2 બસોમાં વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા. આ વિસ્ફોટોમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. બસોમાં વિસ્ફોટ બાદ ઇઝરાયલમાં પરિવહન સેવાઓ આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. આ સાથે પીએમ નેતન્યાહૂ પણ દરેક ક્ષણે અપડેટ્સ લઈ રહ્યા છે અને તેમણે એક મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવી છે.
વિસ્ફોટોથી ઇઝરાયલ હચમચી ગયું
સૂત્રો પાસેથી મળતી મુજબ તેલ અવીવના બાટ યામમાં ઘણી બસોમાં વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોથી સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઇઝરાયલી સૈન્યએ તાત્કાલિક વિસ્ફોટની તપાસ શરૂ કરી અને શંકાસ્પદોની શોધ માટે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કર્યા. ઇઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે બાટ યામમાં વિવિધ સ્થળોએ અનેક બસોમાં વિસ્ફોટ થયાના અનેક અહેવાલો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ હાજર છે અને શંકાસ્પદોની શોધખોળ કરી રહ્યા છે.
હાલ બસ સેવા બંધ કરવામાં આવી છે
શરૂઆતની માહિતી મુજબ, એક પછી એક ત્રણ બસોમાં થયેલા વિસ્ફોટોથી ઇઝરાયલ હચમચી ગયું હતું. તે જ સમયે, બે અન્ય બસોમાં પણ વિસ્ફોટકો મળી આવ્યા હતા. સદનસીબે, કોઈને ઈજા થઈ ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે પાંચેય બોમ્બ સમાન હતા અને તેમાં ટાઈમર લગાવેલા હતા. તે જ સમયે, આ વિસ્ફોટો પછી, પરિવહન મંત્રીએ આગામી આદેશ સુધી દેશમાં પરિવહન સેવાઓ સ્થગિત કરી દીધી.
હમાસે 4 બંધકોના મૃતદેહ ઇઝરાયલને આપ્યા
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલમાં આ વિસ્ફોટ એવા સમયે થયા છે જ્યારે યુદ્ધવિરામ કરારને કારણે કેદીઓની આપ-લે ચાલી રહી છે. તાજેતરમાં હમાસે 4 ઇઝરાયલી બંધકોના મૃતદેહ સોંપ્યા હતા. આમાં એક મહિલા અને તેના બે બાળકોનો સમાવેશ થાય છે, જેમાં 9 મહિનાની માસૂમ બાળકીનો મૃતદેહ પણ સામેલ છે.જો આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ટન કરી લીધો છે. અને શા માટે વિસ્ફોટ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.