આજકાલ કેટલાક યુવકોની માનસિકતા એટલી ખરાબ થઈ ગઈ છે કે તેઓ કોઈપણ સમાજ હોય તેના વિશે ટિપ્પણી કરતા અચકાતા નથી. પરંતુ કોઈપણ સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરવી યોગ્ય નથી. જો તમે કોઈપણ સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરો છો તો ટિપ્પણી કરનારના મનમાં જે ગંદા વિચારો છે તે સામે આવી જાય છે. આ બધાં વચ્ચે ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજને લઇ એક યુવકે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી હતી. જે ટિપ્પણીને લઈ આદિવાસી સમાજમાં રોષ જોવા મળે છે. આદિવાસી સમાજ વિશે ટિપ્પણી કરનાર શખ્સ સામે કડક કાર્યવાહીની માગ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો હાથોમાં તીર-કામઠાં લઈ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા. અને આદિવાસી સમાજ વિષે ટિપ્પણી કરનાર પાપી સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.
શું છે સમગ્ર ઘટનાક્રમ:-
સમગ્ર મામલા પર નજર કરીએ તો ભરૂચ જિલ્લાના ખરચી ગામેથી વસાવા આદિવાસી સમાજનો યુવક ભરૂચના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે વાયરલ વીડિયો મુદ્દે લાલાભાઇ નામના યુવકે આદિવાસી સમાજની યુવતીઓ, માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરી હતી. જે ટિપ્પણી બાદ આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.
આદિવાસી નેતા મહેશ વસાવાનું નિવેદન
સોશ્યિલ મીડિયમાં ટિપ્પણી મુદ્દે આદિવાસી નેતા મહેશ વસાવાએ જણાવ્યું હતું કે દેશના રષ્ટ્રપતિ આદિવાસી સમાજમાંથી આવે છે. આદિવાસી સમાજ પર આવી અભદ્ર ટિપ્પણી યોગ્ય નથી. છોકરો હેલિકોપ્ટર લઇને છોકરી લેવા જાય એ ગૌરવની વાત છે. અને આવનારા સમયમાં વિમાન લઇને પણ જાન લેવા જશે. અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી કરીએ છીએ કે ટિપ્પણી કરનાર સામે જલદીથી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે.