RBI દ્વારા હોળી પહેલા 100 અને 200 રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. RBIએ કહ્યું છે કે ટૂંક સમયમાં 100 અને 200 રૂપિયાની નવી નોટ બહાર પાડવા આવશે. જોકે, આ નવી નોટોની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ નવી નોટો પર નવા નિયુક્ત ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. સેન્ટ્રલ બેન્ક અનુસાર, આ એક સામાન્ય પ્રક્રિયા છે. જે અંતર્ગત દરેક નવા ગવર્નરની નિમણૂક બાદ તેમના હસ્તાક્ષરવાળી નોટો જારી કરવામાં આવે છે.
RBI જાહેર કરશે નવી નોટો
RBI સમયાંતરે વર્તમાન ગવર્નરના હસ્તાક્ષર સાથે નવી નોટ બહાર પાડે છે. નવા RBI ગવર્નરની નિમણૂક પછી નવી નોટો બહાર પાડવી એ નિયમિત પ્રક્રિયા છે. આ નવી નોટો ટૂંક સમયમાં ચલણમાં આવી જશે. સંજય મલ્હોત્રાએ ડિસેમ્બર 2024માં RBIના 26મા ગવર્નર તરીકે શક્તિકાંત દાસનું સ્થાન લીધું છે.
જૂની નોટોનું શું થશે?
સેન્ટ્રલ રિઝર્વ બેન્કે કહ્યું છે કે અગાઉ જારી કરાયેલી તમામ રૂ. 100 અને રૂ. 200 ની નોટો કાયદેસર રહેશે અને તેને બદલી શકાશે નહીં. ચલણમાં રહેલી જૂની નોટોની માન્યતા પર કોઈ અસર નહીં પડે. આનો અર્થ એ છે કે કોઈપણ પ્રકારનું ડિમોનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું નથી.
50 રૂપિયાની નવી નોટો
RBIએ સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નવી બેન્ક નોટ જારી કરવાની જાહેરાત કરી છે. 50 રૂપિયાની નોટો પણ મહાત્મા ગાંધી સિરીઝની હાલની ડિઝાઇનની હશે. સેન્ટ્રલ બેન્કે એ પણ પુષ્ટિ કરી હતી કે પહેલાથી જારી કરાયેલી તમામ રૂ. 50ની નોટ કાનૂની ટેન્ડર અને માન્ય રહેશે. આ નવી નોટો પર માત્ર RBI ગવર્નર મલ્હોત્રાના અપડેટેડ હસ્તાક્ષર હશે અને અન્ય કોઈ ફેરફાર થશે નહીં.