દેશમાં અત્યારે લગ્નસરોનો માહોલ ચાલી રહ્યો છે. લોકો એક ગામમાંથી બીજા ગામ બસ અથવા ખાનગી ટ્રાવેલ્સમાં વર અથવા વધુને તેડવા જઈ રહ્યા છે. આ બધાં વચ્ચે ભાવનગરમાં જે ઘટના બની તે ઘટનાથી જાનૈયાઓના જીવ તાળવે ચોંટી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
શું હતી ઘટના
ભાવનગર જિલ્લાના નારી ગામેથી ગારીયાધારના ઘોબા ગામે જાનૈયાઓ ખાનગી ટ્રાવેલ્સ બસમા જઈ રહ્યા હતા. તે દરમ્યાન સિહોર તાલુકાના બજુડના પાટીયા પાસે ખાનગી ટ્રાવેલ્સમાં અચાનક આગ લાગી જતા જાનૈયાઓ જીવ બચવા માટે મથામણ કરી રહ્યા હતા. આગની ઘટનાથી ડરી ગયેલા લોકો જીવ બચાવા માટે બસની ઈમરજન્સી બારીમાં કૂદકો મારી ગયા હતા. આ ઘટનાના કારણે થોડા સમય માટે રોડ પર ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
આગમાં સોનું અને રોકડ બળી ગઈ
સામાન્ય રીતે જ્યારે પણ કોઈપણ માણસના ઘરે પ્રસંગ હોય ત્યારે લોકો પૈસા અને સોના-ચાંદીનો વ્યવહાર કરતા હોય છે. અંહી પણ જાનૈયાઓ બસમાં રોકડા રૂપિયા અને સોનું-ચાંદી લઈને બસમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગતા લોકો જીવ બચવા બસમાંથી કૂદી પડ્યા હતા. તો બીજી તરફ પૈસા અને ઘરેણાં ભરેલી બેક બસમાં રહી જતા બળી ગઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો.