વાલોડના બુહારી પાસે ભેખડ ધસી પડતા મજૂરનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. અંહી છેલ્લા કેટલાક સમયથી પાણી પુરવઠા વિભાગની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમ્યાન બુહારી વળાંક પાસે અચાનક ભેખડ ધસી પડતા વ્યારાના બોજપૂર ગામનાં 25 વર્ષિય શ્રમિકનું મોત થતાં હાહાકાર મચી ગયો છે. આ ઘટના બાદ શ્રમિકના પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને કોન્ટ્રાક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.
કોન્ટ્રાક્ટર પર બેદરકારીનો આરોપ
બોજપૂર ગામના શ્રમિકના મોત બાદ પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો. સાથે મૃતક સાથે કામગીરી કરી રહેલા શ્રમિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ભારે વિરોધના કારણે શ્રમિકો રસ્તા પર બેસી ગયા હતા અને રોડ પર બેસી વાહન વ્યવહાર પણ અટકાવી દીધો હતો. તો બીજી તરફ મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી હતી. સાથેજ આ ઘટના બાદ કોન્ટ્રાક્ટર પર બેદરકારીનો આરોપ કરવામાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે, કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ બનાવ થયો હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બાદ પાણી પુરવઠા અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.