આજકાલ કેટલાક લોકો કામ ધંધો કર્યાં સિવાય કેવી રીતે વધારે પૈસા કમાવી શકાય તેના પર વધારે ફોક્સ કરતા હોય છે. કેટલાક પાપીઓને વગર મહેનતે વધારે રૂપિયા કમાવાની લ્હાય હોય છે. પરંતુ આ કાર્યમાં મહિલા હોય કે પુરુષ તેમનો આવો ધંધો વધારે સમય ચાલતો નથી. આ બધાં વચ્ચે અમદાવાદ શહેરના સિનિયર સિટીઝન લોકોને પોતાની વાતોમાં ફસાવી ઠગાઈ કરતી ભેજાબાજ મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં થયા ખુલાસો
પોલીસે મહિલાની ધરપકડ કર્યાં બાદ તેની પૂછપરછ કરતા આ મહિલાએ અત્યાર સુધી 3 ગુનાઓ આચર્યાં હોવાની માહિતી સામે આવી છે. પોલીસ પકડમાં આવેલી મહિલા ખોટી ઓળખાણ આપી ધાર્મિક કામ માટે રૂપિયાની જરૂર હોવાનું કહી છેતરપિંડી કરતી હતી. માથાભારે મહિલાએ વાડજમાં પૌત્રને સ્કૂલેથી લઈને ઘરે પરત ફરતી વૃદ્ધ મહિલા સાથે પણ થોડા સમય પહેલા ઠગાઈ કરી હતી. મહિલાએ વૃદ્ધના પૌત્ર અને માતાને ઓળખતી હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્યો હતો. અને બાદમાં ધાર્મિક કામ માટે પૈસાની જરૂર હોવાનું કહી રૂપિયા 1 લાખ લીધા હતા.
વૃદ્ધ લોકોને બનાવતી શિકાર
ઠગ મહિલા ખાસ કરીને વૃદ્ધોને સરળતાથી વાતોમાં ભોળવી નાખતી અને તેમની પાસેથી ધાર્મિક કાર્ય અને અન્ય કામ માટે રૂપિયાની જરૂર હોવાનું કરી છેતરપિંડી કરતી. પોલીસે મહિલાએ કરેલા 3 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. હજુ આ મહિલાએ અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અગાઉની પોલીસ તપાસમાં પણ અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ જણાઈ રહી છે.