સમગ્ર દેશમાં લોકસભાની ચુંટણીઓનો માહોલ છે. અવનવા વાયદાઓ , લોભામણી જાહેરાતો , રેલીઓ અને સભાઓના ઘોંઘાટ પછી આજરોજ લોકસભા ચૂંટણી ૨૦૨૪ નું ત્રીજા તબક્કામા ગુજરાતની ૨૬ બેઠકો ઉપર મતદાન કરવામાં આવ્યું છે. ત્યારે બારડોલી લોકસભામાં ચર્ચાનો વિષય રહેલ શંકર ફળિયાના બેઘર પિડિત પરિવારો દ્વારા ઢોલ નગારા સાથે કેક કાપી , ચોકલેટ વહેંચીને અનોખી રીતે લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરી છે.
ગત જૂન મહિનામાં ચાલું વરસાદમાં ૪૦/૫૦ વર્ષથી રહેતા આ પરિવારોના ૭૦ થી વધુ મકાનોનું તાપી જીલ્લા તંત્ર દ્વારા અમાનવીય રીતે ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જે બાદ આ પરિવારોએ એક આવાજ – એક મોર્ચા લોકસંગઠન સાથે રહી પોતાની ન્યાયિક લડત આગળ વધારી હતી. જેમાં જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા તેમજ વ્યારાના વકીલ નિતિન પ્રધાન તેમજ અન્ય નાગરિકો , આદિવાસી યુવાનો બેઘર પિડિત પરિવારોની પડખે ઊભા રહીને લડતને મજબૂત બનાવવા મથામણ શરૂ કરી હતી. મુખ્ય માગણી તમામ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેમજ ડિમોલેશનમા થયેલા નુકસાનનું વળતર ચુકવવામાં આવે તે રહી છે.
બારડોલી લોકસભાના ભાજપ – કોંગ્રેસ ના એક પણ ઉમેદવાર આ પરિવારો વચ્ચે ચુંટણી પ્રચાર અર્થે આવ્યા હતા નહીં.માટે તમામ પક્ષો ના ઉમેદવારો ને બેનર , પોસ્ટર લગાવી શંકર ફળિયાના બેઘર પિડિત પરિવારોની વ્યથા સાંભળવા તેમજ ચુંટણી પ્રચાર કરવા ભાવભીનુ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. બે હજાર મતો આ વીસ્તારમા હોવા છતાં એક પણ ઉમેદવાર પ્રજા વચ્ચે આવ્યા નથી.
આમ લોકશાહીના પર્વની બારડોલી લોકસભામા મજાક બની રહી હતી કારણ પ્રજાની મોટી મોટી વાતો કરવાના અવસરે પણ ઉમેદવાર ના આવે તે લોકતંત્રની મજાકની વિશેષ કશું નથી.આમ દરેક પક્ષના ઉમેદવાર પોતાની નેતા તરીકેની ફરજ ચુક્યા છે પરંતુ શંકર ફળિયાના અમાનવીય ડિમોલેશનનો ભોગ બનનાર પિડિત પરિવારોએ ઢોલ નગારા વગાડી , કેક કાપી , ચોકલેટ વિતરણ કરી પોતાની નાગરિક તરીકેની ફરજ નીભાવી છે. આ પ્રસંગે હાજર રહેલા એક આવાજ એક મોર્ચા અધ્યક્ષ રોમેલ સુતરિયાએ જણાવ્યું હતું ચુંટણીઓ પતી ગઈ છે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના તેમજ આવા અસંખ્ય પરિવારો સાથે હવે પગપાળા ગાંધીનગર પહોચી સીધા મુખ્યમંત્રીને રજૂઆત કરવી તે જ વિકલ્પ બચ્યો છે.
રોમેલ સુતરિયા દ્વારા મુખ્યમંત્રી અને વિધાનસભા સુધી પહોંચી રજુઆત કરવાના વિચારે શંકર ફળિયાના બેઘર પિડિત પરિવારોમાં ઉત્સાહનો માહોલ તો બન્યો સાથે જ વિવિધ આદિવાસી સમસ્યાઓથી પીડિત આદિવાસી સમાજના નાગરીકો પણ આ લડતમાં જોડાશે તો આવાનાર દિવસોમાં દક્ષિણ ગુજરાતથી એક જન આંદોલનની શરૂઆત થવા જઈ રહી છે તે પ્રકારની ચર્ચાએ જોર પકડયું છે.બારડોલી લોકસભા ચૂંટણી ૨૦૨૪ જીતનાર સાંસદ સામે આ જન આંદોલનને એક પડકાર તો હશે જ સાથે ગાંધીનગર વિધાનસભા સુધી જો આંદોલન પહોંચે તો તેનિ પડઘિ સમગ્ર ગુજરાતમાં પડી શકે છે માટે નવા સાંસદ આંદોલન ને ગાંધીનગર પહોંચવા દેશે કે જીલ્લા કક્ષાએ પ્રશ્નોનું નિવારણ કરવામાં આવશે ? તે હવે જોવાનું રહે છે.