ગુજરાત સરકાર સૌ ભણે સૌ આગળ વધે, તેમજ સર્વ શિક્ષણ અભિયાનની મોટી-મોટી વાતો કરે છે. પણ આ સરકારની મોટી વાતો માત્રને માત્ર કાગળ પર જોવા મળે છે. કારણ કે, ડેડીયાપાડા અને સાગબારામાં આવેલી 29 જેટલી શાળાઓમાં માત્રને માત્ર એકજ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે. જે ખૂબજ દુખની વાત કહી શકાય.
એક તરફ સરકાર શાળાઓમાં પ્રવેશઉત્સવ ઉજવી રહી છે. અને બીજી તરફ 29 જેટલી શાળાઓમાં માત્રને માત્ર એક શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે. આ સમગ્ર મામલાની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં તેમણે લેખિતમાં પ્રાંત અધિકારીને આ સમગ્ર મામલે રજુઆત કરી છે. તેમણે જણાવ્યું કે, ડેડિયાપાડા અને સાગબારામાં 29 શાળાઓમાં એક શિક્ષક ભણાવી રહ્યો છે. તેમજ અંદાજીત 54 જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણી રહ્યા છે. જો વિદ્યાર્થીઓને કંઈ થઈ જાય તો જેની જવાબદારી કોણ લેશે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ શુ કહ્યુઃ-
ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, 13/06/23ના રોજ સાગબારા તાલુકાના જાવલી ગામમાં પ્રવેશઉત્સવ રાખવામાં આવ્યો છે. જેમાં રાજ્યાના મુખ્યમંત્રી આવવાના છે. સીએમ પ્રવેશઉત્સવના કાર્યક્રમમાં આવે તે પહેલા ડેડિયાપાડા અને સાગબારમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે. તેમણે વધુમા કહ્યું કે,અત્યાર સુધીમાં અંતરિયાળ વિસ્તારમાં મોટા ભાગના કામ માત્રને માત્ર કાગળ પર કરવામાં આવી રહ્યા છે. જો ગુજરાત સરકાર આ બધી બાબતો પર ધ્યાન ન આપે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવાની ચિમકી પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.